Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

આજે રોઝ ડે સાથે શરૂ થઇ ગયો પ્રેમનો તહેવાર : જોઇ લો વેલેન્‍ટાઇન વીકનું કેલેન્‍ડર

વેલેન્‍ટાઈન વીકની શરૂઆતને લઈને યુવાનોમાં અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે : ગિફટ ગેલેરીને શણગારવામાં આવી છે : બજારો પણ આજે ધમધમી ઊઠી છે

મુંબઇ તા. ૭ : પ્રેમીઓનો મનપસંદ તહેવાર ફરી એકવાર આવી પહોંચ્‍યો છે. રોઝ ડે સાથે વેલેન્‍ટાઈન વીક આજથી શરૂ થઈ રહ્યું છે. યુવાનો પોતાના જીવનસાથીને ગુલાબ આપીને પ્રેમ વ્‍યક્‍ત કરશે. તે જ સમયે નારાજ થયેલા પાર્ટનરને પણ ગુલાબનું ફૂલ આપી મનાવવાનો પ્રયાસ કરશે. વેલેન્‍ટાઈન વીકની શરૂઆતને લઈને યુવાનોમાં અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. ગિફટ ગેલેરીને શણગારવામાં આવી છે. બજારો પણ આજે ધમધમી ઊઠી છે. ફૂલમાર્કેટ પણ આજે ગુલાબી ફૂલ સાથે મહેકી રહ્યું છે.

પ્રથમ દિવસ (રોઝ ડે)

૭મી ફેબ્રુઆરીથી શરૂ થતાં વેલેન્‍ટાઈન વીકનો પ્રથમ દિવસ રોઝ ડે તરીકે ઊજવાય છે. સરળ શબ્‍દોમાં કહીએ તો, તેની શરૂઆત ગુલાબની સુગંધ અને સુંદરતાથી થાય છે. આ દિવસે પ્રેમી યુગલો એકબીજાને ગુલાબ આપીને પોતાનો પ્રેમ વ્‍યક્‍ત કરે છે.

બીજો દિવસ (પ્રપોઝ ડે)

પ્રપોઝ ડે બીજા દિવસે એટલે કે ૮ ફેબ્રુઆરીએ ઊજવવામાં આવે છે. જો તમે કોઈના ખૂબ પ્રેમમાં છો અને તેને આ વાત જણાવવા માગો છો, તો તમે તમારી વાત રાખી શકો છો.

ત્રીજો દિવસ (ચોકલેટ ડે)

છેલ્લા ઘણા સમયથી ચોકલેટ લોકોના જીવનનો મહત્‍વનો ભાગ બની ગઈ છે. તણાવ દૂર કરવા માટે હોય કે પછી કોઈની સાથે પ્રેમ વ્‍યક્‍ત કરવા માટે ચોકલેટનો ઉપયોગ અલગ-અલગ કારણોસર કરવામાં આવે છે. ચોકલેટ ડે પ્રેમની કસોટીના ત્રીજા દિવસે  એટલે કે ૯મી ફેબ્રુઆરીએ ઊજવવામાં આવે છે. આ દિવસે પ્રેમી યુગલો એકબીજાને ચોકલેટ ખવડાવે છે, જેથી જીવન ચોકલેટ જેવું જ મધુર રહે.

ચોથો દિવસ (ટેડી ડે)

હૃદયની કોમળતા અને નિર્મળતાની લાગણી આપવા માટે, ચોથા દિવસે એટલે કે ૧૦ ફેબ્રુઆરીએ ટેડી ડે તરીકે ઊજવાય છે.

પાંચમો દિવસ (પ્રોમિસ ડે)

પ્રોમિસ ડે ૧૧ ફેબ્રુઆરીના રોજ ઊજવવામાં આવે છે, ફેબ્રુઆરીની પ્રેમની કસોટી'નો આ પાંચમો દિવસ છે. આ દિવસે પ્રેમી યુગલો એકબીજાને ખાસ વચનો આપે છે.

છઠ્ઠો દિવસ (હગ ડે)

હગ ડે છઠ્ઠા દિવસે એટલે કે ૧૨ ફેબ્રુઆરીએ ઊજવવામાં આવે છે. એકબીજાને ગળે લગાવીને પ્રેમ વ્‍યક્‍ત કરવાનો દિવસ છે. આ દિવસની સૌથી મોટી ખાસિયત એ છે કે જાદુઈ જપ્‍પીના બહાને આપણને એ જાણવાનો મોકો મળે છે કે સામેની વ્‍યક્‍તિ આપણને કેટલો પ્રેમ કરે છે, તેના દિલમાં આપણા માટે શું છે.

સાતમો દિવસ (કિસ ડે)

જો તમે શબ્‍દો વિના પ્રેમ વ્‍યક્‍ત કરવા માગતા હો, તો તેના માટે એક પ્રેમાળ કિસ પૂરતી છે. તે સાતમા દિવસે એટલે કે ૧૩ ફેબ્રુઆરીએ કિસ ડે ઊજવવામાં આવે છે.

છેલ્લો દિવસ (વેલેન્‍ટાઇન ડે)

ભાગદોડ ભરેલી જિંદગીમાં પાર્ટી માટે બહાનું મેળવવું એના કરતાં વધુ મહત્ત્વનું શું હોઈ શકે? બસ પોતાના વ્‍યસ્‍ત દિવસમાંથી રજા લઈ પોતાના પ્રિયપાત્ર સાથે સમય પસાર કરવાનો દિવસ એટલે વેલેન્‍ટાઈન ડે...

 

(1:06 pm IST)