Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

૧૩૬ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત

ભારતીય મૂળના અપ્‍સરા અય્‍યરની હાર્વર્ડ લો રિવ્‍યુના અધ્‍યક્ષ પદે પસંદગી

વોશિંગ્‍ટન, તા. ૭: દેશ માટે ગર્વની વાત છે. હાર્વર્ડ લો સ્‍કુલમાં સેકન્‍ડ યરની ભારતીય-અમેરિકી વિદ્યાર્થિની અપ્‍સરા અય્‍યરને પ્રતિષ્ઠિત હાર્વર્ડ લો રિવ્‍યુના અધ્‍યક્ષ પસંદ કરવામાં આવ્‍યા છે. લો રિવ્‍યુના ૧૩૬ વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર છે જયારે કોઈ ભારતીય મૂળની મહિલાએ આ પદ સંભાળ્‍યુ છે.

હાર્વર્ડ લો સ્‍કુલના અંતર્ગત સંચાલિત થનારી લો રિવ્‍યુ એક એવી સંસ્‍થા છે, જે કાયદા ક્ષેત્રમાં પ્રકાશિત થનારા જનકલના લેખોની સમીક્ષા અને પસંદગીનું કામ કરે છે. આની સ્‍થાપના વર્ષ ૧૮૮૭માં થઈ હતી. ‘ધ હાર્વર્ડ ક્રિમસન' એ પોતાના એક રિપોર્ટમાં કહ્યુ છે કે અપ્‍સરા અય્‍યરને હાર્વર્ડ લો રિવ્‍યુના ૧૩૭મા અધ્‍યક્ષ પસંદ કરવામાં આવ્‍યા.

હાર્વર્ડ લો રિવ્‍યુના અધ્‍યક્ષ તરીકે પસંદગી પામ્‍યા મુદ્દે અપ્‍સરા અય્‍યરે ખુશી વ્‍યક્‍ત કરી છે. તેમણે કહ્યુ કે લો રિવ્‍યુ અધ્‍યક્ષ તરીકે તેમનો હેતુ લેખોની સમીક્ષા અને પસંદગીની પ્રક્રિયામાં વધુ સંપાદકોને સામેલ કરવા અને ઉચ્‍ચ ગુણવત્તા વાળા કાર્ય માટે પ્રકાશનની પ્રતિષ્ઠાને જાળવી રાખવાનો છે.

અપ્‍સરા અય્‍યર પહેલા આ પદ પર સુપ્રીમ કોર્ટના જસ્‍ટિસ રુથ બેડર જિન્‍સબર્ગ અને પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ રહી ચૂક્‍યા છે. 

રિપોર્ટ અનુસાર અપ્‍સરા અય્‍યરે ૨૦૧૬માં યેલથી સ્‍નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી છે. અર્થશાષા, ગણિત અને સ્‍પેનિશમાં અપ્‍સરા અય્‍યરની સ્‍નાતકની ડિગ્રી છે. સાંસ્‍કૃતિક વારસાના મૂલ્‍યોને સમજવામાં અપ્‍સરા અય્‍યરની રૂચિએ તેમને મેનહટ્ટન ડિસ્‍ટ્રિક્‍ટ એટર્નીના પ્રાચીન વસ્‍તુઓની તસ્‍કરી એકમમાં કાર્ય કરવા માટે પ્રેરિત કર્યા, જે ચોરાયેલી કલા અને કલાકૃતિઓને ટ્રેક કરે છે.અપ્‍સરા અય્‍યરે લો સ્‍કુલમાં આવ્‍યા પહેલા ૨૦૧૮માં લો કાર્યાલયમાં કામ કર્યુ હતુ અને આ ભૂમિકામાં આવ્‍યા પહેલા લો પ્રથમ વર્ષ બાદ રજા લીધી હતી. રિપોર્ટ અનુસાર અપ્‍સરા અય્‍યર ‘રાઇટ-ઓન' નામની એક સ્‍પર્ધાત્‍મક પ્રક્રિયા બાદ હાર્વર્ડ લો રિવ્‍યુમાં સામેલ થયા, જયાં હાર્વર્ડ લો સ્‍કુલના વિદ્યાર્થી કડકાઈપૂર્વક ડોક્‍યુમેન્‍ટની તપાસ કરે છે. અપ્‍સરા અય્‍યર પહેલા લો સ્‍કુલના હાર્વર્ડ હ્યુમન રાઈટ્‍સ જર્નલ અને નેશનલ સિક્‍યોરિટી જર્નલમાં સામેલ રહ્યા છે. તેઓ સાઉથ ઈન્‍ડિયન લો સ્‍ટુડન્‍ટ્‍સ એસોસિએશનના સભ્‍ય પણ છે.

(4:11 pm IST)