Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

ભારતના આદિવાસી સમાજમાં અનોખા લગ્ન સંબંધોઃ છત્તીસગઢમાં પિતરાઇ ભાઇ-બહેન લગ્નગ્રંથીથી જોડાયઃ લગ્નનો ઇન્‍કાર કરનારને દંડ ભરવો પડે

મેઘાલય રાજ્‍યમાં યુવતીને એક કરતા વધુ પુરૂષો સાથે લગ્ન કરવાની સ્‍વતંત્રતા

નવી દિલ્‍હીઃ ભારતના જુદા જુદા વિસ્તારોમાં લગ્નને લગતા વિવિધ રિવાજો પ્રચલિત છે. ક્યાંક છોકરીના લગ્ન ભાઈ સાથે થાય છે તો ક્યાંક છોકરીના લગ્ન છોકરાના ઘણા ભાઈઓ સાથે થાય છે. આટલું જ નહીં કેટલીક જગ્યાએ એક યુવતીના એકથી વધુ પતિ હોય છે. જોકે લગ્નની આ પરંપરાઓ માત્ર ભારતના આદિવાસી વિસ્તારોમાં જ પ્રચલિત છે. તો ચાલો જાણીએ ક્યાં, કેવા લગ્ન પ્રચલિત છે.

સૌથી પહેલા તો અમે એવા લગ્ન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં એક છોકરીના લગ્ન છોકરાના તમામ ભાઈઓ સાથે કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મહાભારતના સમયગાળા દરમિયાન અજ્ઞાતવાસ દરમિયાન દ્રૌપદી અને માતા કુંતીની સાથે પાંડવો પણ થોડો સમય રોકાયા હતા, તેથી અહીં આ રિવાજનું પાલન કરવામાં આવે છે. કહેવાય છે કે આજે પણ અહીંના તમામ ભાઈઓની એક દુલહન હોય છે. હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં આ પરંપરા પ્રચલિત છે.

બહેન પોતાના ભાઈ સાથે જ કરે છે લગ્ન

ભારતના છત્તીસગઢ રાજ્યમાં ભાઈ-બહેન એકબીજા સાથે લગ્ન કરે છે, તે અહીં રસ્ન્ન ધુર્વા આદિવાસી જાતિ દ્વારા કરવામાં આવે છે. જો કે આ લગ્ન સાચા ભાઈ-બહેન વચ્ચે થતા નથી, પરંતુ મામા, કાકી અને માસીના બાળકો સાથે લગ્ન કરવામાં આવે છે. અહીં જો કોઈ લગ્ન કરવાનો ઇનકાર કરે તો તેને દંડ ભરવો પડે છે.

એક છોકરી અને ઘણા બધા પતિ

ભારતના મેઘાલય રાજ્યમાં એક મહિલા એક કરતા વધુ પુરુષો સાથે લગ્ન કરી શકે છે. તેણીને અહીં ગમે તેટલી વખત લગ્ન કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે અને તે એક કરતા વધુ પતિ સાથે રહી શકે છે. મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી લોકો આ પ્રથા બંધ કરવાની માંગ કરી રહ્યા છે.

મામા અને ભત્રીજીના લગ્ન

દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં મામા અને ભત્રીજીના લગ્ન થાય છે. અહીંના લોકોનું કહેવું છે કે મામાના ઘરે બહેને પોતાનો હક ન માંગવો જોઈએ, એટલા માટે અહીં મામા અને ભત્રીજીના લગ્ન થાય છે.

(5:12 pm IST)