Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

વારાણસીમાં દેશનો પહેલો ફ્લોટિંગ બાથકુંડ બનાવવામાં આવ્યો

બાથ કુંડમાં લોકો સુરક્ષિત રીતે ડુબકી લગાવી શકે છેઃજેટી પર બનેલા આ બાથ કુંડમાં બે ગંગા કુંડ બનાવવામાં આવ્યા

લખનૌ, તા.૭ ઃઉત્તર પ્રદેશના વારાણસીમાં દેશનો પહેલો ફ્લોટિંગ બાથ કુંડ બનાવવામાં આવ્યો છે.

આ બાથ કુંડમાં લોકો સુરક્ષિત રીતે ગંગામાં આસ્થાની ડુબકી લગાવી શકે છે. ગંગાના પેલે પાર બનેલા ટેન્ટ સિટીમાં આ બાથ કુંડને પર્યટકોના સ્નાન માટે બનાવવામાં આવ્યો છે. જેટી પર બનેલા આ બાથ કુંડમાં બે ગંગા કુંડ બનાવવામાં આવ્યા છે. જેની ઊંડાઈ ૪ ફૂટ છે.

ટેન્ટ સિટીના ઓપરેશન હેડે જણાવ્યુ કે કાશીમાં ગંગા સ્નાન અને બાબા વિશ્વનાથના દર્શનની પરંપરા સદીઓ જૂની છે. આ આધ્યાત્મિક ટેન્ટ સિટીમાં જે પણ આવે છે તેમના માટે આ બંને વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ગંગા સ્નાન માટે અહીં ફ્લોટિંગ બાથ કુંડ બનાવવામાં આવ્યો છે, તો બીજી તરફ અહીં રોકાતા પર્યટકોને ટૂર પેકેજ હેઠળ બાબા વિશ્વનાથના વીઆઈપી દર્શન પણ કરાવવામાં આવશે.

આ ફ્લોટિંગ બાથ કુંડ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. આ કુંડમાં ગંગા જળ જ ભરેલુ હોય છે, જેમાં વૃદ્ધો અને તે લોકો પણ ડુબકી લગાવી શકે છે, જેમને તરતા આવડતુ નથી. આ બાથ કુંડની નીચે સ્ટેનલેસ સ્ટીલની મોટી જાળી લગાવેલી છે. જેનાથી ગંગા જળ ગળાઈને આ બાથ કુંડ સુધી પહોંચે છે. આ સિવાય લોકો આ કુંડમાં ઉતરી શકે તે માટે સીડી પણ લગાવવામાં આવી છે.

પર્યટક આ કુંડમાં સ્નાન બાદ ચેન્જિંગ રૃમમાં કપડા પણ બદલી શકે છે. તે માટે રેતી પર ચાર ચેન્જિંગ રૃમ પણ બનાવાયા છે. પરંપરા અનુસાર આજે પણ હજારો પર્યટક આ પવિત્ર નગરીમાં ગંગા સ્નાન અને બાબા વિશ્વનાથના દર્શન માટે સમગ્ર દેશમાંથી આવે છે.

 

 

 

 

(7:13 pm IST)