Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

WHOના મુખ્ય વૈજ્ઞાનિકે આપી ચેતવણી

લોકડાઉનના પરિણામો ભયાનક આવશે

લોકડાઉનને લઇને ડોકટર સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે હાલમાં બીજી લહેરના નિયંત્રણ પર ભાર મૂકવો જરૂરી છે : વેકસીનેશનને વધારે ઝડપી બનાવવું જરૂરી છે

નવી દિલ્હી તા. ૭ : ભારત કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે ત્યારે તેના આધારે અનેક રાજયોએ વીકેન્ડ લોકડાઉન, નાઈટ કફર્યૂ જેવી અનેક પાબંદીઓ લગાવી છે. અનેક જગ્યાઓએ સંપૂર્ણ લોકડાઉનને લઈને પણ વિચાર વિમર્શ ચાલી રહ્યો છે. આ સમયે World Health Organisationની મુખ્ય વૈજ્ઞાનિક ડોકટર સૌમ્યા સ્વામીનાથને લોકડાઉનને લઈને કહ્યું છે કે આ પરિણામ ભયાનક હોઈ શકે છે. સાથે તેઓએ મહામારીની અન્ય લહેરને નિયંત્રિત કરવામાં પણ લોકોની ભૂમિકા પર ભાર આપ્યો છે. આ સમયે તેઓએ વેકસીનના ડોઝની પણ ચર્ચા કરી હતી.

એક માહિતિ અનુસાર ડોકટર સ્વામીનાથને કહ્યું કે ત્રીજી લહેરને વિશે વિચારવા અને પૂરતા લોકોને વેકસીન આપવામાં આવે ત્યાં સુધી બીજી લહેરનો સામનો કરવાનો રહેશે. આ મહામારીમાં હજુ અન્ય અનેક લહેરો હોઈ શકે છે. WHOએ કોવિશિલ્ડ વેકસીનના ૨ ડોઝની વચ્ચે ૮-૧૨ અઠવાડિયાનું અંતર રાખવાની સલાહ આપી છે. આ સાથે સ્વામીનાથને કહ્યું છે કે હાલમાં બાળકોને વેકસીન લગાવવાની સલાહ અપાઈ નથી. ૨ ડોઝ વચ્ચેના ગેપને ૮-૧૨ અઠવાડિયા સુધી વધારી શકાય છે.

WHOના રીજનલ ડાયરેકટર ડોકટર પૂનમ ખેત્રીપાલે પણ વેકસીનની વાત પર ભાર આપ્યો છે. ૭ એપ્રિલે એટલે કે આજે વિશ્વ સ્વાસ્થ્ય દિવસના અવસરે તેઓએ કહ્યું કે નવી લહેર આખા ક્ષેત્રમાં ફેલાઈ રહી છે. વેકસીનની રફતારન વધારવાના પ્રયાસ કરવા જરૂરી છે. ખાસ વાત એ છે કે ભારતમાં રોજ લગભગ ૨૬ લાખ વેકસીનના ડોઝ અપાય છે. આ વાતમાં ભારતથી આગળ અમેરિકા છે. અહીં સરેરાશ ૩૦ લાખ ડોઝ રોજના અપાય છે. 

અહીં લોકડાઉનને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. ગયા વર્ષે પણ લોકડાઉન સમયે પુણેમાં અનેક હોટસ્પોટ રહ્યા હતા. આંશિક રીતે જયારે લોકડાઉન હટ્યું ત્યારે આંકડા ફરી વધ્યા. ત્યારે ૧૦ દિવસના લોકડાઉને પણ મદદ કરી ન હતી. આંકડા સતત વધ્યા હતા.

લોકડાઉનના સમયે કમ્યુનિટી ટ્રાન્સમિશનના કારણે વાયરસ નાના સમૂહમાં ફેલાયો. જયારે લોકડાઉન હટાવાશે ત્યારે તે ઝડપથી ફેલાશે કેમકે લોકડાઉનના તણાવ બાદ લોકો આરામ કરે છે. માર્ચની શરૂઆત થતાં જ કોરોના સંક્રમણના કેસ વધતા જોવા મળી રહ્યા છે.

(10:56 am IST)