Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

સોના સામેના ધિરાણની શરતો કડક બનાવાઇ

અગાઉ સોનાના મૂલ્ય સામે મોટા ભાગની નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ ૭૫ ટકા અને બેંકો ૯૦ ટકા સુધીની લોન આપતી પરંતુ તેઓ એનાથી ઘણી ઓછી રકમની લોન આપે છે

નવી દિલ્હી, તા. સોનું ગિરવે રાખીને કરજ આપનારી કંપનીઓ ધિરાણની શરતો કડક બનાવી રહી છે. હવે તેઓ લોનની મુદ્દત ઘટાડી રહી છે અને સોનાના ભાવમાં ઘટાડા સામે રક્ષણ માટે વધુ સિકયોરિટી માગે છે.

આ ક્ષેત્રની અગ્રણી મુથુટ ફાઇનાન્સ જે ગ્રાહકો દર મહિને અથવા તેથી ઓછા સમયાંતરે હપ્તા ચૂકવે તેમને વ્યાજદરમાં રાહત તથા અન્ય પ્રોત્સાહનો આપે છે. તેની હરીફ મુથુટ મિની ફાઇનાન્સર્સ અગાઉ ૨૭૦ દિવસની લોન આપતી તે હવે ૯૦ દિવસની જ આપે છે. અગાઉ સોનાના મૂલ્ય સામે મોટા ભાગની નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ ૭૫ ટકા અને બેન્કો ૯૦ ટકા સુધીની લોન આપતી. પરંતુ તેઓ એનાથી ઘણી ઓછી રકમની લોન આપે છે.

ગયે વર્ષે સંખ્યાબંધ નાના વેપારીઓ, ધંધાદારીઓ અને ઉદ્યોગોએ ધંધો' તરતો રાખવા માટે પરિવારનું સોનું ગિરવે મૂકવાનું શરૂ કર્યું હોવાથી સોના સામેના ધિરાણમાં ઉછાળો આવ્યો હતો. મુથુટ ફાઇનાન્સનું સોના સામેનું ધિરાણ ૨૫ ટકા વધ્યું હતું. લોકોને પોતાનાં આભૂષણો પ્રત્યે લગાવ હોય છે. સોનાના ભાવ ઘટશે તો પણ લોકો લોન ચૂકવવામાં પાછી પાની નહીં કરે કેમ કે તેમને પોતાનાં આભૂષણો પાછાં જોઈતાં હોય છે, એમ તેના મેનેજિંગ ડિરેકટર જયોર્જ મુથુટ એકલેઝાન્ડરે જણાવ્યું હતું.

વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સુધારો થવાનો આશાવાદ તથા એકસચેન્જ ટ્રેડેડ ફંડ્ઝની માગમાં થયેલા ઘટાડાને પગલે તાજેતરમાં સોનાના ભાવમાં વર્ષમાં પહેલીવાર ઘટાડો જોવાયો હતો. રોકાણકારો સલામતીના સ્વર્ગ સમાન સોનાને છોડીને જોખમી પણ વધુ વળતરદાયી અસ્કયામતો તરફ વળવાથી ૨૦૨૧માં સોનાના ભાવમાં ૯ ટકાનો ઘટાડો આવ્યો છે.

જોકે અત્યારે ધિરાણકારોની સૌથી મોટી ચિંતા એ છે કે કોરોનાના વધતા જતા સંક્રમણને કારણે વેપાર-ધંધા અને ઉદ્યોગોની યોજનાઓ ચોપટ થઈ જશે અને સધ્ધર કરજદારો પણ લોન ચૂકવવામાં નિષ્ફળ જશે.

કેપીએમજીના અગાઉના અંદાજ અનુસાર માર્ચ, ૨૦૨૨માં પૂરાં થનારાં બે વર્ષમાં ભારતની સોના સામેના ધિરાણની બજાર ૩૪ ટકા વધીને રૂ. ૪.૬ લાખ કરોડ પર પહોંચી જશે.

(10:15 am IST)