Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

લોકડાઉન કયારે ? કેટલુ હશે ? : લોકોમાં ઉઠતો સો મણનો સવાલ

હાઈકોર્ટના નિર્દેશ બાદ લોકડાઉન કે વીકએન્ડ કર્ફયુ આવશે એ નક્કી પરંતુ તે શનિ-રવિ પુરતુ સીમિત રાખવું કે પછી શનિ-રવિ-સોમ-મંગળ-બુધ રાખવું ? સરકાર લોકડાઉનના સારા-નરસા પાસાઓની સમીક્ષા કરી રહી છે : શનિવારે બીજો શનિવાર છે, રવિવારે રજા, સોમવાર કામકાજનો દિવસ, ૧૩મીએ ચેટીચાંદ અને ૧૪મીએ આંબેડકર જયંતિની રજા છેઃ સરકાર જો કે સીમિત લોકડાઉનના પક્ષમાં: નાના માણસોની કાળજી રાખવાનો મતઃ કાલે વડાપ્રધાન સાથેની વાતચીત બાદ કોઈ નિર્ણય લેવાય તેવી શકયતા

રાજકોટ, તા. ૭ :. કોરોના નામના જીવલેણ અદ્રશ્ય વાયરસે ગયા વર્ષથી ઉપાડો લેવાનુ શરૂ કર્યુ છે તે હજુ શાંત પડયો નથી. ગુજરાત સહિત દેશભરમાં કોરોના નામનો રાક્ષસ તાંડવ મચાવી રહ્યો છે અને રોજેરોજ કેસ અને મોતના આંકડા રેકોર્ડ સર્જી રહ્યા છે ત્યારે ગઈકાલે ગુજરાત હાઈકોર્ટે આપેલા નિર્દેશના પગલે સરકારે ત્વરીત ગઈકાલે રાત્રે જ ૨૦ શહેરોમાં રાત્રીના ૮થી સવારના ૬ સુધીનો કર્ફયુ અમલી બનાવ્યા બાદ હવે લોકડાઉન ફરી લાગુ કરવાની તૈયારી થઈ રહી છે. લોકડાઉન કે વીકએન્ડ કર્ફયુ મર્યાદિત રાખવુ કે પછી કે પછી એ પાંચ દિવસનું રાખવુ તે બાબતની સરકારમાં જોરશોરથી સમીક્ષા થઈ રહી છે ત્યારે ગુજરાતની પ્રજામાં પણ એક જ સવાલ ઉઠી રહ્યો છે કે લોકડાઉન કયારે લાગુ થશે અને તે કેટલુ હશે ? સરકાર લોકડાઉનના જમા અને ઉધાર પાસાની હાલ સમિક્ષા કરી રહી છે અને આવતીકાલે વડાપ્રધાનની મુખ્યમંત્રીઓ સાથેની વાતચીત બાદ રાજ્ય સરકાર લોકડાઉન અંગે નિર્ણય લ્યે તેવી શકયતા છે.

ગુજરાતમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ હોવાનુ માની ગુજરાત હાઈકોર્ટે ગઈકાલે સરકારને કોરોના વાયરસને કાબુમાં લેવા વિવિધ નિર્દેશો આપ્યા હતા જેને પગલે સરકાર પણ એકશન મોડમાં આવી ગઈ હતી અને ધડાધડ પગલાઓ જાહેર કર્યા હતા. ૨૦ જેટલા શહેરોમાં નાઈટ કર્ફયુનો અમલ આજથી કરાવવાનુ જાહેર થયુ હતુ એટલુ જ નહિ લગ્નો અને જાહેર સમારોહમાં સંખ્યાઓ નિયંત્રીત કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને લોકડાઉનનો અમલ કરવા પણ નિર્દેશ આપ્યો હતો જે પછી સરકાર આ બાબતે વિચાર કરી રહી છે.

લોકડાઉન મામલે સરકારમાં એક મત એવો છે કે લોકડાઉન શનિ-રવિ પુરતુ મર્યાદીત રાખવું. શનિવારે બીજો શનિવાર હોવાથી સરકારી કચેરીઓ અને બેન્કો બંધ રહેવાની છે તેથી જો આ બે દિવસ અમલી બનાવાય તો લોકોને હાડમારીનો સામનો કરવો ન પડે.

જ્યારે એક મત એવો પણ છે કે લોકડાઉન શનિવારથી શરૂ કરી બુધવાર સુધી એટલે કે પાંચ દિવસ અમલી બનાવવું. આ પાંચ દિવસના તર્ક પાછળ ચાર દિવસની જાહેર રજા આવી જાય છે. શનિવારે ૧૦મી તારીખ છે અને તે બીજો શનિવાર છે. રવિવાર ૧૧ તારીખની રજા છે. સોમવારે ૧૨ તારીખ છે અને કામકાજનો દિવસ છે, જ્યારે ૧૩મીને મંગળવારે ચેટીચાંદની જાહેર રજા છે અને ૧૪મીએ ડો. આંબેડકર જયંતિની જાહેર રજા છે. આમ જો ૧૦થી ૧૪ સુધીનું લોકડાઉન રાખવામાં આવે તો કામકાજનો દિવસ માત્ર સોમવારનો રહે છે બાકીના ચાર દિવસની રજા આવી રહી છે. જો કે આવતીકાલે કોઈ નિર્ણય લેવાય તેવી શકયતા છે.

કોરોનાના વધતા કેસો વચ્ચે વડાપ્રધાન મોદી આવતીકાલે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજવાના છે. આ બેઠકમા તેઓ એવા ૧૧ રાજ્યો જેમ કે ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, દિલ્હી, છત્તીસગઢ, હરીયાણા, હિમાચલ, ઝારખંડ, રાજસ્થાન, કર્ણાટક અને મધ્યપ્રદેશ ઉપર ધ્યાન કેન્દ્રીત કરશે અને ત્યાં પાંચ દિવસનું લોકડાઉન અમલી બનાવવુ કે નહિ ? તે બાબતે ચર્ચા-વિચારણા કરશે. જો શનિવારથી પાંચ દિવસનું લોકડાઉન લદાય તો રાજ્યોમાં કોરોનાનો ચેપ ફેલાતો રોકવામા મોટી મદદ મળશે તેવો અભિપ્રાય આરોગ્યના નિષ્ણાંતોએ આપ્યો છે. વડાપ્રધાન પણ આ બાબતે સહમત છે તેથી જો મુખ્યમંત્રીઓ સહમત થશે તો પાંચ દિવસનું લોકડાઉન જાહેર થશે. એવુ કહેવાય છે કે ગઈકાલે આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને ૧૧ રાજ્યોના આરોગ્ય પ્રધાનો સાથે બેઠક કરી હતી તેમા જ તેમણે પાંચ દિવસના લોકડાઉન માટે તૈયાર રહેવા જણાવ્યુ હતુ.

ગુજરાતની રૂપાણી સરકાર હાલ તમામ બાબતોની સમીક્ષા કરી રહી છે અને નાના માણસોના હિતોની કાળજી રાખી કોઈ નિર્ણય લેશે તેવુ જાણવા મળે છે.

(10:55 am IST)