Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

સમાજ વિરોધી તત્વોનું ભુંડુ કૃત્યઃ 'અકિલા'ના નામે લોકડાઉનના ખોટા ન્યુઝ સોશિયલ મિડીયા પર વહેતા મુકયાઃ ફરિયાદ નોંધાવાઇ

અગાઉ પણ આ રીતે શહેરની બજારો બંધ રહેશે અને ચાર શહેરોમાં લોકડાઉનના ખોટા ન્યુઝ મુખ્યમંત્રીના નામથી વહેતા કરાયા હતાં : અવાર-નવાર કોઇને કોઇ ન્યુઝ ચેનલો, અખબારોની સોશિયલ મિડીયાની ટાઇલનો દૂરૂપયોગ કરી સોશિયલ મિડીયામાં વહેતા કરી દઇ લોકોમાં ખોટો ભય ઉભો કરાય છેઃ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને સાયબર ક્રાઇમની ટીમ આવા તત્વોને શોધી કાઢી સબક શીખવે તે અત્યંત જરૂરી

તસ્વીરમાં 'અકિલા બ્રેકીંગ ન્યુઝ'ની ગઇકાલે બપોરે ૦૧:૦૪ વાગ્યે સોશિયલ મિડીયામાં મુકાયેલી સ્લાઇડ જેમાં સાચા ન્યુઝ છે તે તથા બીજી તસ્વીરમાં આ જ સ્લાઇડમાંથી સાચુ લખાણ દૂર કરી પંદર દિવસના લોકડાઉનને લગતું ખોટુ લખાણ કરી વાયરલ કરાયું એ સ્લાઇડ જોઇ શકાય છે. 'અકિલા'એ રાત્રે જ આ ન્યુઝ ખોટા છે તેવા ખુલાસા સાથેની અને કાનૂની સલાહ બાદ પગલા લેવાઇ રહ્યાની સ્પષ્ટતા સોશિયલ મિડીયા પર કરી હતી તે ત્રીજી તસ્વીરમાં જોઇ શકાય છે.

રાજકોટ તા. ૭: શહેરમાં કોરોનાની પરિસ્થિતિ હાલમાં ફરીથી વકરી ગઇ છે અને તંત્રો સંક્રમણને કાબૂમાં લેવા ફરીથી કામે લાગ્યા છે. લોકડાઉનના સમયમાં ઘરમાં રહેલા લોકોએ ઇન્ટરનેટનો ખુબ સારો ઉપયોગ કર્યો છે. એમાંથી કેટલાક સમાજ વિરોધી તત્વોએ તેનો દૂરૂપયોગ પણ કરી લીધો હતો. હજુ પણ અવાર-નવાર આવા તત્વો ઇન્ટરનેટના માધ્યમથી ગેરકાનૂની કૃત્ય કરી લોકોમાં ભય ફેલાવવાનું ભુંડુ કૃત્ય કરતાં રહે છે. મંગળવારે તા. ૬/૪/૨૧ના રાત્રીના સમયે કોઇએ 'અકિલા બ્રેકીંગ ન્યુઝ'ની પ્લેટમાં જે સાચા સમાચાર હતાં તે દૂર કરી તેની જગ્યાએ 'સમગ્ર ગુજરાતમાં શુક્રવાર તા. ૦૯-૦૪-૨૦૨૧થી ૧૫ દિવસ સંપૂર્ણ લોકડાઉનના સંકેત. હાઇકોર્ટના આદેશથી સરકાર હરકતમાં આવી'...આ પ્રકારના ખોટા-ફેક ન્યુઝ લખી સોશિયલ મિડીયામાં વાયરલ કરી દેતાં લોકોમાં ભય ફેલાઇ ગયો હતો અને અખબાર કાર્યાલય ખાતે રાત્રે ફોન ધણધણી ઉઠ્યા હતાં. આવુ ગેરકાનૂની કૃત્ય કરી અકિલા દૈનિકની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાના બદઇરાદે તેમજ સમાજમાં ભય ફેલાવવાના ઇરાદે આવુ કોઇ નફફટે આવુ હિન કૃત્ય કર્યુ હોઇ તેને શોધી કાઢી કડક કાર્યવાહી કરાવવા માટે 'અકિલા'એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં તપાસ શરૂ થઇ છે.

લાખો વાંચકો ધરાવતું પ્રતિષ્ઠાભર્યુ વિશ્વસનિય અને તટસ્થ અખબાર 'અકિલા' વાંચકોને પળેપળના સમાચારો આપવામાં હમેંશા અગ્રેસર રહ્યું છે. પ્રિન્ટ આવૃતિ ઉપરાંત 'અકિલા બ્રેકિંગ ન્યુઝ' હેઠળ સોશિયલ મિડીયા પર પણ સતત સાચા અને તટસ્થ તથા લોકોપયોગી સમાચારો 'અકિલા' આપતું રહે છે. ગઇકાલે તા. ૬/૪/૨૧ના બપોરે ૦૧:૦૪ વાગ્યે અકિલા બ્રેકીંગ ન્યુઝની પ્લેટમાં 'રાજ્યમાં કોરોનાના કેસ વધતાં હાઇકોર્ટનો નિર્દેશઃ રાજ્યમાં લોકડાઉનની જરૂર પડે તેવી સ્થિતિનું હાઇકોર્ટનું અવલોકનઃ ૩ થી ૪ દિવસમાં લોકડાઉન લગાવવા હાઇકોર્ટનો આદેશઃ વિકેન્ડ કર્ફયુ બાબતે પણ નિર્ણય લેવા અને રાજકિય કાર્યક્રમો પર પણ રોક લગાવવાનો આદેશ'....મુજબના ન્યુઝ પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતાં. સોશિયલ મિડીયા પર આ ન્યુઝ સતત વાયરલ થયા હતાં. આ ન્યુઝ એકદમ સાચા હતાં.

પરંતુ બાદમાં 'અકિલા બ્રેકીંગ ન્યુઝ'ની આ જ પ્લેટમાં સમય બપોરે ૦૧:૦૪ યથાવત રહેવા દઇ સાચા સમાચારો હટાવી દઇ તેની જગ્યાએ ખોટા સમાચાર 'સમગ્ર ગુજરાતમાં શુક્રવાર તા. ૦૯-૦૪-૨૦૨૧'થી ૧૫ દિવસ સંપૂર્ણ લોકડાઉનના સંકેત. હાઇકોર્ટના આદેશથી સરકાર હરકતમાંઆવી'....એવું લખાણ મુકી 'અકિલા બ્રેકીંગ ન્યુઝ'ની હુબહૂ કોપી ખોટા સમાચાર સાથે સોશિયલ મિડીયામાં વહેતી કરી દીધી હતી. આ કારણે લોકોમાં ભય ફેલાઇ ગયો હતો અને અખબારના કાર્યાલય ખાતે પૃછા શરૂ થઇ ગઇ હતી. ખરખેર અકિલા બ્રેકીંગ ન્યુઝના આ સમાચાર હતાં જ નહિ. સાચા સમાચાર પ્લેટમાંથી હટાવી કોઇ લેભાગુ સમાજ વિરોધીએ ૧૫ દિવસના લોકડાઉન...એવું લખાણ કરી અકિલાના નામે વાયરલ કરી દીધું હતું.

નોંધનીય છે કે ગયા નવેમ્બર મહિનામાં પણ કોઇ લેભાગુએ આ રીતે પખવાડીયામાં બે વખત અકિલાના બ્રેકીંગ ન્યુઝના નામે બજારો બંધ અને ચાર શહેરોમાં લોકડાઉન એવા ખોટા ન્યુઝ વહેતા કરી દીધા હતાં.  ત્યારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે તપાસ કરી કાર્યવાહી કરી હતી. ફરીથી કોઇએ ૬/૪/૨૧ના રોજ લોકડાઉનના ખોટા ન્યુઝ વહેતા કરતાં આ બારામાં સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી છે અને આવુ કૃત્ય કરનારને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવાયું છે.

નોંધનીય છે કે હાલમાં અવાર-નવાર કોઇને કોઇ અખબાર કે ન્યુઝ ચેનલની બ્રેકીંગ ન્યુઝની પ્લેટનો દૂરૂપયોગ કરી સાચા સમાચારો હટાવી તેમાં ખોટા ફેક ન્યુઝ મુકી સોશિયલ મિડીયામાં વાયરલ કરી ભય ફેલાવાય છે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ સાયબર ક્રાઇમની ટીમોને કામે લગાડી આવા તત્વોને પકડી કાયદાનું ભાન કરાવે તે જરૂરી છે.

(11:26 am IST)