Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધનનો ધડાકો

લગ્નો - ચૂંટણીઓ - ખેડૂત આંદોલનથી કોરોના વકર્યો

નવી દિલ્હી તા. ૭ : ભારતમાં કોરોના વાયરસ નું સંક્રમણ ખુબ ઝડપથી વધી રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો.હર્ષવર્ધને મંગળવારે એ ૧૧ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્વાસ્થ્યમંત્રીઓ સાથે બેઠક યોજી ત્યાં કોરોનાના કેસમાં પૂરપાટ ઝડપે વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન તેમણે કોવિડ-૧૯ના નવા કેસમાં અચાનક વૃદ્ઘિ થવાના કારણોની પણ જાણકારી આપી.

બેઠક દરમિયાન ડો. હર્ષવર્ધને કોવિડ-૧૯ના વધતા કેસ માટે મોટા મોટા લગ્ન સમારંભો, સ્થાનિક સ્વરાજયની ચૂંટણી, ખેડૂત આંદોલન દરમિયાન કોવિડ પ્રોટોકોલનું પાલન ન કરવું એ સૌથી મોટું કારણ ગણાવ્યું. બેઠકમાં મહારાષ્ટ્ર, છત્ત્।ીસગઢ, કર્ણાટક, પંજાબ, મધ્ય પ્રદેશ, ગુજરાત, દિલ્હી, તામિલનાડુ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને ઝારખંડના સ્વાસ્થ્ય મંત્રી સામેલ હતા. ડો.હર્ષવર્ધને સ્પષ્ટપણે કહ્યું કે દેશના લગભગ તમામ ભાગોમાં ખાસ કરીને આ ૧૧ રાજયોમાં અચાનક કેસમાં ઉછાળો આવવાનું સૌથી મોટું કારણ એ હતું કે લોકોએ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરવાનું છોડી દીધુ.

ડોકટર હર્ષવર્ધને બેઠકમાં કહ્યું કે એવું લાગે છે કે લોકોએ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરને 'તિલાંજલી' આપી છે. ન તો લોકો માસ્ક પહેરે છે, ન તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે છે અને ન તો ભીડમાં કમી છે, જેના કારણે કોરોના વાયરસના નવા કેસમાં ઝડપથી વધારો થયો છે. તેમણે વધુમાં કહ્યું કે ' ગત વર્ષે આપણી પાસે રસી પણ નહતી અને તમામ નિયમોનું પાલન પણ કરાયું હતું જેના કારણે કેસ ઓછા થયા હતા.'

ડો.હર્ષવર્ધને બેઠકમાં કહ્યું કે કોરોના વાયરસથી ઠીક થવાનો દર ૯૨.૩૮ ટકા છે. દેશમાં વધતા કેસ છતાં મૃત્યુદર ૧.૩૦ ટકા પર છે. તેમણે કહ્યું કે સૌથી ખરાબ રીતે પ્રભાવિત રાજય છત્તીસગઢમાં પોઝિટિવિટી રેટ ૨૦ ટકા અને ગ્રોથ રેટ ૮ ટકા છે. જયારે ૮૦ ટકા યુકે વેરિએન્ટ પંજાબમાં મળી આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, દિલ્હી, તામિલનાડુ, મધ્ય પ્રદેશ, અને પંજાબમાં પ્રતિદિન કોરોના વાયરસના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. એક દિવસમાં સામે આવનારા કેસમાંથી ૮૧.૯૦ ટકા કેસ આ રાજયોમાંથી સામે આવ્યા છે.

(11:27 am IST)