Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

આસામની લેખિકા શિખા શર્મા વિરૂધ્ધ રાજદ્રોહનો કેસ

પગાર મેળવતા જવાનોને શહિદ કહેવા ઠીક નથી એવા લેખિકાની ટિપ્પણીથી વિવાદ : થઇ ધરપકડ

છત્તીસગઢમાં શહિદ થયેલા ૨૨ જવાનોને લઇને ફેસબુક પોસ્ટ કરી હતી : જે જજોએ જ નોંધાવી હતી ફરિયાદ

ગૌહતી તા. ૭ : આસામની એક ૪૮ વર્ષીય લેખિકાની મંગળવારે ગૌહતી પોલીસે દેશદ્રોહ સહિતના અન્ય આરોપો હેઠળ ધરપકડ કરી છે. શિખા શર્મા નામની આ મહિલાએ પોતાની ફેસબુક પોસ્ટમાં છત્તીસગઢમાં નકસલવાદી હુમલામાં માર્યા ગયેલા જવાનોને શહીદ ગણવાની ના પાડી હતી. તેમણે કહ્યું હતું કે, પગાર મેળવનાર ધંધાર્થી, જે સર્વિસ દરમિયાન જીવ ગુમાવે તેને શહીદનો દરજ્જો ના આપી શકાય. તેના આ બયાન સામે મળેલી ફરિયાદ પછી પોલિસે મહિલાની ધરપકડ કરી હતી.

ગૌહતીના પોલિસ કમિશનર મુન્ના પ્રસાદ ગુપ્તાએ કહ્યું કે, શિખા શર્મા પર આઇપીસીની કેટલીય કલમો લગાવાઇ છે. જેમાં દેશદ્રોહની કલમ ૧૨૪-એ પણ લગાવાઇ છે. શિખાને બુધવારે કોર્ટમાં રજૂ કરાશે. એવું જણાવાય છે કે શિખા સોશ્યલ મીડિયા પર બહુ એકટીવ છે. તેણે સોમવારે પોતાના ફેસબુકમાં લખ્યું હતું, પગાર મેળવનારા ધંધાર્થીઓ, જે ફરજ દરમિયાન જીવ ગુમાવે છે, તેને શહીદ ન ગણી શકાય. આ તર્ક અનુસાર તો વીજળી વિભાગમાં કામ કરતો કર્મચારી, જે કરંટ લાગવાથી મરી જાય તો તેને પણ શહીદ ગણવો જોઇએ.

શિખા શર્માની આ પોસ્ટ પર લોકોએ રોષ દર્શાવ્યો ત્યારપછી ગૌહતી કોર્ટના બે વકીલો - ઉમી ડેકા બરૂઆ અને કંગના ગોસ્વામીએ દિસપુર પોલિસ સ્ટેશનમાં લેખિકા વિરૂધ્ધ એફઆઇઆર નોંધાવી હતી. તેમણે કહ્યું, 'આ આપણા જવાનોના સન્માનની મોટી બદનામી છે. આ પ્રકારના ખરાબ બયાન દેશ સેવાના આત્મા અને પવિત્રતા પર મૌખિક હુમલા જેવા છે.'

(12:40 pm IST)