Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

પ.બંગાળઃ પીએમ મોદીએ એક મુસ્લિમ યુવક સાથે કરી વાતઃ ફોટો ખૂબ વાયરલ

મુસ્લિમ યુવક છે મોદીનો જબરો ફેનઃ કાનમાં શું કહયું?

કોલકાતા, તા.૭:પ. બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન વડાપ્રધાન મોદીની એક તસવીર સામે આવી છે. જે ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ તસવીર ૩ એપ્રિલના રોજ સોનારપુરમાં એક રેલી દરમિયાન જુલ્ફિકાર નામના મુસ્લિમ યુવક સાથે ખંભા પર હાથ રાખીને પીએમ મોદી વાત કરી રહ્યા હતા તે સમયની છે. ઝુલ્ફીકારે આ પ્રસંગ અંગે જણાવ્યું હતું.

હકીકતમાં તો ૩ એપ્રિલે મારું રેલીમાં જવાનું મન નહોતું. કારણ કે આ પહેલા હું બ્રિગેડ મેદાનના કાર્યક્રમમાં જઈ આવ્યો હતો. ત્યાં પાર્કિંગની જવાબદારી મારા પર જ હતી. મે તો સપનામાં પણ નહોતું વિચાર્યું કે હું ત્યાં સુધી પહોંચીશ અને પીએમ મોદીને આટલા નજીકથી જોઈ શકીશ. હું તેમને ખૂબ ફોલો કરું છું.

બની શકે છે કે કેટલાક લોકો એમ પણ કહે છે કે હું એક હિંદુ છોકરો હતો અને ફકત મોદીના પ્રચાર માટે મુસ્લિમ ટોપી પહેરીને આવ્યો હતો. પરંતુ મારે આવા લોકોના સર્ટિફિકેટની કોઈ જરુર નથી. મને ભારત સરકારે સર્ટિફિકેટ આપ્યું છે અને તેમાં મારું નામ ઝુલ્પિકાર અલી છે અને મારા પિતાનું નામ અબ્દુસ સાજિદ છે.

ઝુલ્ફિકાર કહે છે કે 'સીએએ એનઆરસી જેવા ગંભીર મુદ્દે અમારા લોકોને ભ્રમીત કરવામાં આવી રહ્યા છે. હકીકતમાં આ આપણી ભલાઈ માટે તો છે. ૩ એપ્રિલે જયારે હું પીએમ મોદી આવ્યા ત્યારે હેલિપેડ પાસે લોકોની ભીડમાં રસ્તા પર ઉભો હતો. સુરક્ષાકર્મીઓએ કહ્યું હતું કે તમે કોઈ પીએમ મોદીને પગે લાગશો નહીં. તેઓ નજીક આવશે પરંતુ તમારે બેરિકેડની અંદર જ ઊભા રહેવાનું છે. તેવામાં મેદ્યનાથ પોદાર નામના એક વ્યકિત ત્યાં હાજર હતા તેમણે મને કહ્યું કે તમારી નમાજી ટોપી પહેરી જ રાખો એ તમારા પર સારી લાગે છે. આ સાંભળીને મને ખૂબ જ ખુશી થઈ કે ભાજપમાં દરેક ધર્મોનું સમ્માન કરવામાં આવે છે.

તેવામાં પીએમ મોદીનો કાફલો આવ્યો. બધા લોકોની જેમ મે પણ હાથ જોડીને તેમને પ્રણામ કર્યા. તેઓ ગાડીમાંથી ઉતર્યા અને મારી તરફ આવ્યા. તેમણે મારું નામ પૂછ્યું મે કહ્યું પરંતુ હેલિકોપ્ટરના અવાજમાં તેમને સંભળાયું નહી. તેઓ વધુ નજીક આવ્યા અને મારા ખંભા પર હાથ રાખીને મને પૂછવા લાગ્યા. મે કહ્યું મારું નામ ઝુલ્ફિકાર અલી છે. તેમણે આગળ પૂછ્યું જીવનમાં શું કરવા માગો છો? તો મે કહ્યું હું ન તો કોર્પોરેટર બનવા માગુ છું ન ધારાસભ્ય, ન તો સાંસદ બનવા માગું છું મારે તો રાષ્ટ્રહિતમાં કામ કરવું છે. જે બાદ તેમણે મને પૂછ્યું તમે હાલ શું ઇચ્છો છો. મે કહ્યું તમારી સાથે એક ફોટો પાડવો છે. તેમણે સ્મિત કર્યું એટલે મે ખિસ્સામાંથી મોબાઈલ કાઢવા હાથ વધાર્યો. ત્યાં તેમણે પોતાની સાથેના ફોટોગ્રાફને ઇશારો કર્યો અને મને કહ્યું ત્યાં સામે જુઓ. પછી મારા અને પીએમ મોદીના ફોટો પડવા લાગ્યા. તેમણે કહ્યું ખૂબ જ જલ્દી તમારી સાથે મુલાકાત થશે.

(4:13 pm IST)