Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

બ્રાઝિલમાં એક જ દિવસમાં ૪૧૯૫ના મોત

લંડન, તા.૭: વિશ્વમાં કોવિડ-૧૯ નાં કેસોની સંખ્યા ૧૩.૨૨ કરોડને વટાવી ગયા છે. વળી, મૃત્યુઆંક ૨૮.૭ લાખને પાર કરી ગયો છે. અગાઉ, ફકત બે દેશોમાં, એક જ દિવસમાં વાયરસનાં મૃત્યુનાં ચાર હજારથી વધુ કેસ નોંધાયા હતા. બ્રાઝિલનાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસને કારણે ૪,૧૯૫ લોકોનાં મોત નીપજયાં છે.

જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (સીએસએસ) દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરનાં આંકડા મુજબ, વિશ્વમાં હવે કેસની સંખ્યા ૧૩,૨૨,૯૩,૫૬૬ પર છે અને મૃત્યુની સંખ્યા ૨૮,૭૧,૬૪૨ થઇ ગઇ છે. વળી, અમેરિકા હજી પણ વિશ્વમાં કોરોનાવાયરસ રોગચાળાનાં સૌથી ખરાબ સમયનો સામનો કરી રહ્યું છે. અત્યાર સુધીમાં અહીં સૌથી વધુ ૩,૦૮,૪૫,૯૧૫ કેસ અને ૫,૫૬,૫૦૯ મોત નોંધાયા છે. ૧,૩૧,૦૦,૫૮૦ કેસ અને ૩,૪૦,૦૦૦ મૃત્યુ સાથે બ્રાઝિલ બીજા સ્થાને છે. બ્રાઝિલમાં મોતનો આંકડો ૩,૪૦,૦૦૦ પર પહોંચી ગયો છે, જે અમેરિકા પછી સૌથી વધુ છે. યુ.એસ. અને પેરુમાં પણ એક જ દિવસમાં વાયરસનાં મૃત્યુનાં ચાર હજારથી વધુ કેસ નોંધાયા છે. મળતી માહિતી મુજબ સાઓ પાઉલોની સૌથી વધુ વસ્તી ધરાવતા રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં વાયરસનાં કારણે ૧,૪૦૦ લોકોનાં મોત થયા છે.

(4:14 pm IST)