Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

રાયપુરમાં મહામારી વધતા ફરી લોકડાઉનઃ ૯ થી ૧૯ ઍપ્રિલ સુધી બધુ સજ્જડ બંધઃ બેગ્લોરમાં ૧૪૪મી કલમ લાગુઃ ચંદીગઢમાં પણ નાઇટ કર્ફયુ

રાયપુરઃ રાયપુર કલેક્ટર એસ.ભારથી દસાણે જણાવ્યું કે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાયપુર જિલ્લામાં 9 થી 19 એપ્રિલ સુધીના લોકડાઉનની જાહેરાત કરવામાં આવે છે. આ દરમિયાન જિલ્લાની તમામ સરહદો સીલ રહેશે.

મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે જણાવ્યું કે રાજ્યમાં કોવિડ રસીકરણ ઝડપથી કરાઈ રહ્યું છે. રાજ્યમાં કોરોનાને કારણે થઈ રહેલા મોતના આંકડા ચિંતાજનક છે. તેમણે લોકોને બિનજરુરી ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી હતી.

બેંગ્લુરમાં કલમ 144 લાગુ

દરેક રાજ્ય સરકાર કોરોનાના નાથવા માટે પોતપોતાની રીતે પગલાં ભરી રહી છે. તેમાં હવે વધુ એક રાજ્ય સરકારનો ઉમેરો થયો છે. કર્ણાટકની યેદિયુરપ્પા સરકારે બેંગ્લુરમાં કલમ 144 લાગુ પાડી દીધી છે.

સત્તાવાર આદેશ અનુસાર, રાજ્યમાં સ્વિમિંગ પુલ, જિમ, પાર્ટી પ્લોટ અને રહેણાંકના કોમ્પલેક્સના કામકાજ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. બેંગ્લુરુ પોલીસ કમિશનર કમલ પંતે તમામ પ્રકારની રેલીઓ, પ્રદર્શન, જાહેર મેળાવડા, કાર્યક્રમો તથા પ્રાર્થના પર પ્રતિબંધ મૂકી દીધો છે.

ચંદીગઢમાં પણ નાઈટ કર્ફ્યુ

ચંદીગઢમાં પણ નાઈટ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. પંજાબની અમરિન્દર સિંહ સરકાર દ્વારા જારી થયેલા આદેશાનુસર સમગ્ર રાજ્યમાં 30 એપ્રિલ સુધી રાતના 9 થી વહેલી સવારના 5 સુધી નાઈટ કર્ફ્યુ અમલી રહેશે. રાજ્ય સરકારે રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય મેળાવડા કે કાર્યક્રમો પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. આ આદેશનું ઉલ્લંઘન કરનાર રાજકીય નેતાઓ તથા લોકોની સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ એન્ડ એપિડેમિક્સ એક્ટ હેઠળ કેસ દાખલ કરાશે.

(5:43 pm IST)