Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

કોરોનાના નામે ડરાવો નહીં ખેડૂત આંદોલન ચાલુ રહેશે

કોરોનાનું સંક્રમણ વધતાં લોકોમાં ભયનો માહોલ : દેશમાં કર્ફ્યુ લદાય કે લોકડાઉન પણ નવેમ્બર ડિસેમ્બર સુધી પણ ખેડૂતોનુ આંદોલન લગાતાર ચાલુ રહેશે : ટિકૈત

નવી દિલ્હી, તા. ૭ : દેશભરમાં કોરોનાના વધી રહેલા સંક્રમણ વચ્ચે પણ ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે કહ્યુ છે કે, કોઈ પણ સંજોગોમાં ખેડૂત આંદોલનને રોકવામાં નહીં આવે.કોરોનાના નામે સરકાર અમને ડરાવવાની કોશિશ કરી રહી છે પણ અમારુ આંદોલન ચાલતુ રહેશે.

રાકેઠ ટિકૈતે સહારનપુરમાં ખેડૂતોને સંબોધન કરતા કહ્યુ હતુ કે, સરકાર ખેડૂતોને કોરોનાના નામે ડરાવવાનુ બંધ કરે.ખેડૂત આંદોલન શાહીન બાગ નથી. દેશમાં કરફ્યૂ નાંખવામાં આવે કે લોકડાઉન લાગુ કરવામાં આવે પણ નવેમ્બર ડિસેમ્બર સુધી પણ ખેડૂતોનુ આંદોલન લગાતાર ચાલુ રહેશે.

તેમણે કહ્યુ હતુ કે, આગામી દિવસોમાં હું હિમાચલ પ્રદેશ અને બિહારમાં જઈને ખેડૂતો સાથે સંવાદ કરવાનો છું. રાજસ્થાનમાં મારા પર ભાજપે જ હુમલો કરાવ્યો હતો પણ આ મામલામાં મારે કોઈ કાર્યવાહી કરવી નથી.

છેલ્લા ચાર મહિનાથી ખેડૂત આંદોલન ચાલી રહ્યુ છે. ખેડૂતો દિલ્હી બોર્ડર પર અડિંગો જમાવીને બેઠા છે. સરકાર સાથે ૧૧ વખત વાટાઘાટો થઈ પણ તેનુ કોઈ પરિણામ આવ્યુ નથી. બીજી તરફ સરકાર વાટાઘાટો કરવા માટે પણ હવે તો ઉત્સુક નહીં હોવાથી આંદોલન સ્થગિત જેવુ થઈ ગયુ છે.

(8:02 pm IST)