Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

યુકેમાં 30 વર્ષથી ઓછી વયનાને એસ્ટ્રાજેનેકા વેકિસન નહી અપાઈ : બીજો વિકલ્પ અપાશે

એસ્ટ્રાજેનેકા વેકિસન લીધા પછી બ્લડ કલોટિંગની ફરિયાદ બાદ બીજો વિકલ્પ આપવા જાહેરાત

 લંડન : બ્રિટનમાં દવાઓનું નિયમન કરતી સંસ્થા એમએચઆરએ એ એસ્ટ્રાજેનેકા વેકિસન ૩૦ વર્ષથી ઓછી ઉંમરનાને નહી આપવામાં આવે તથા આ રસીના સ્થાને બીજો વિકલ્પ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

 પ્રાપ્ત માહિતી મુજબ એસ્ટ્રાજેનેકા વેકિસન લીધા પછી બ્લડ કલોટિંગ (લોહી જામી જવાની)ની ફરિયાદો મળી હતી એ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે માર્ચના અંત સુધીમાં જે લોકોને યૂકે માં વેકિસન આપવામાં આવ્યું હતું તેમાંથી ૭૯ લોકોમાં બ્લડ કલોટિંગની સમસ્યા સર્જાઇ હતી.

રસી લીધા પછી બ્લડ કલોટિંગ થવાથી ૧૯ લોકોના મુત્યુ થયા હતા. જો કે સાથે એવો ખુલાસો પણ કરવામાં આવ્યો છે કોરોનાની એસ્ટ્રાજેનેકા વેકિસનના કારણે જ લોહી જામી જવાનું બન્યું છે કે કેમ તેના ઠોસ પુરાવા મળતા નથી છતાં વેકિસન અને બ્લડ કલોટિંગને કશોક સંબંધ છે એવું દ્રઢ થતું જાય છે.

જો કે યૂરોપિય નિયામકે રસી અને બ્લડ કલોટિંગ વચ્ચેની લિકને શોધી હોવાનો દાવો પણ કર્યો છે.

એમ એચઆરએના જણાવ્યા અનુસાર ઓકસફર્ડ એસ્ટ્રાજેનેકા વેકિસનના સાઇડ ઇફેકટસ ખૂબજ રેર માલૂમ પડયા છે. મોટા ભાગના લોકોએ વેકિસન લીધી છે તેનો ફાયદો પણ થયો છે .જે લોકોએ વેકિસનનો પ્રથમ ડોઝ લીધો છે તેમને બીજો ડોઝ લેવાની પણ સલાહ આપવામાં આવે છે પરંતુ જેમને વેકિસન લીધા પછી લોહી જામી જવાની સમસ્યા ઉભી થઇ છે તેમને બીજો ડોઝ નહી લેવાની સલાહ આપવામાં આવી છે.

(11:25 pm IST)