Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

અમેરિકી ડિપ્લોમેટની ચેતવણી

ભારતમાં સ્થિતિ બગડશે તો દુનિયા મુશ્કેલીમાં આવી જશે

વોશિંગટન, તા.૭: સંકટની ઘડીમાં દુનિયા ભારતની મદદ માટે આગળ આવી છે. આ વચ્ચે ટોપ અમેરિકી ડિપ્લોમેટ અને યૂએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના પ્રમુખ નિશા દેસાઈ બિસ્વાલ એ ભારતને લઈને મોટુ નિવેદન આપ્યું છે. બિસ્વાલે કહ્યું કે, કોરોના વાયરસ મહામારી વિરુદ્ઘ વિશ્વએ ભારતની સંભવ મદદ કરવી જોઈએ. કારણ કે જો ભારતમાં સ્થિતિ બગડી તો દુનિયા મુશ્કેલીમાં આવી જશે. તેમણે આગળ કહ્યું કે, ભારતે માનવતા માટે દર વખતે મહત્વનું યોગદાન આપ્યું છે. હવે આપણો વારો છે તેની મદદ કરવાનો.

ભારતીય મૂળની નિશા દેસાઈ બિસ્વાલ ૨૦૧૭ સુધી સાઉથ એશિયાના સ્પેશિયલ સેક્રેટરી હતા. આ સિવાય તેમણે અન્ય મહત્વના દપો પર સેવાઓ આપી છે. હાલ તે યૂએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (UASIBC) ના અધ્યક્ષ છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યૂમાં નિશાએ કહ્યું કે, ભારતમાં જે ઝડપથી મહામારી ફેલાઈ, તેનાથી દુનિયા પરેશાન થઈ ગઈ છે. અમેરિકી કંપનીઓએ સૌથી પહેલા તે અનુભવ્યું કે સ્થિતિ ઝડપથી ખરાબ થઈ રહી છે. ભારતમાં આ કંપનીઓના કર્મચારીઓએ ટોપ મેનેજમેન્ટ સુધી આ વાત પહોંચાડી છે. ત્યારબાદ અમે ભારતની મદદ કરવાનો નિર્ણય લીધો હતો.

બિસ્વાલે જણાવ્યું કે, કોરોના મહામારીનો સામનો કરવા માટે એક ગ્લોબલ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી છે. જેમાં વિશ્વની ટોપ-૪૦ કંપનીઓના સીઈઓ સામેલ છે. આ ગ્રુપે અત્યાર સુધી ૧ હજાર વેન્ટિલેટર્સ અને ૨૫ હજાર ઓકિસજન કન્સન્ટ્રેટર ભારત મોકલ્યા છે. ખાસ વાત છે કે આ ટાસ્ક ફોર્સની એક સ્પેશિયલ કમિટી વાઇટ હાઉસ, અમેરિકી વિદેશ મંત્રાલય અને બીજા વિભાગોની સાથે ભારત સરકારના પણ સીધા સંપર્કમાં છે. તેમણે કહ્યું કે, પાછલા દિવસોમાં કમિટીએ અમેરિકી વિદેશ મંત્રીની સાથે બેઠક કરી હતી અને ભારતની મદદ પર વિચાર કર્યો હતો. ત્યારબાદ ભારતના નીતિ આયોગ સાથે પણ વાતચીત કરી હતી.

અમેરિકી ડિપ્લોમેટે ભારતની મદદ પર ભાર આપતા કહ્યું કે, જયારે પશ્યિમી દેશોમાં સ્થિતિ ખરાબ થઈ રહી હતી, ત્યારે ભારતે સતત મદદ ઉપલબ્ધ કરાવી. આજે જયારે ભારત મુશ્કેલ સમયમાં છે તો આપણે તેની સાથે ઉભા રહેવાનું છે. આપણે તે પણ સમજવાની જરૂર છે કે મહામારી કોઈ એક દેશ માટે નહીં પરંતુ વિશ્વ માટે ખતરો છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા સહિત તમામ દેશ કોરોના સામે જંગમાં ભારતની મદદ કરી રહ્યાં છે.

(10:06 am IST)