Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

કોરોનાના કહેરમાં કણસતી પ્રજાને તેલના ખેલનો ધગધગતો ડામ : સિંગતેલનો ડબ્બો રૂ.૨૭૫૦નો થયો

ચીનને સિંગદાણા નિકાસ કરવાનું પરિણામ દેશની પ્રજાએ ભોગવવાનો વારો

નવી દિલ્હી,તા. ૭: કોરોના કહેરમાં કણસતી પ્રજાને ધગધગતો ડામ દેવા સટોડિયાઓ-તેલિયારાજાઓ સહિત સ્થાપિતહિતોની ટોળકીએ ખાદ્યતેલના ભાવ ગત વર્ષ કરતા દોઢાથી ડબલ કરી દેતા જનાક્રોશ ભભૂકી ઊઠે એવી પરિસ્થિતીનું નિર્માણ થયું છે.

કોરોનાકાળમાં છેલ્લા સવા વર્ષથી ધંધો-રોજગાર ઠપ થઇ ગયો છે. બીજી બાજુ બેકારીની નાગચૂડે મધ્યમવર્ગની કમર તોડી નાખી છે. ભયંકર મંદીના માહોલ વચ્ચે તેલનો ખેલ ખેલાઇ રહ્યો હોઇ પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. સૂત્રો જણાવ્યા મુજબ ગત વર્ષે સિંગતેલના ૧૫ કિલોના ડબ્બાનો ભાવ રૂ.૨૨૫૦થી ૨૩૫૦ હતો. જે આ વર્ષે રૂ.૨૭૫૦ની આજુ બાજુ રમે છે. આ પ્રમાણે કપાસિયા તેલનો ભાવ રૂ.૧૨૫૦થી૧૩૦૦ હતો. જે આ વર્ષે રૂ.૨૪૫૦થી૨૫૫૦ થયો છે. મકાઇ તેલનો ભાવ રૂ.૧૮૫૦થી વધીને રૂ.૨૫૫૦, સન ફ્લાવર રૂ.૧૭૦૦થી૨૭૫૦, પામોલિન તેલનો ભાવ રૂ. ૯૦૦થી૧૦૦૦ હતો જે આ વર્ષે રૂ.૨૧૫૦ થયો છે.

સરસવ તેલનો ભાવ રૂ.૧૪૦૦થી રૂ.૨૪૦૦ તેમજ તલના તેલનો ભાવ રૂ.૨૫૦૦થી૨૬૦૦ હતો જે આ વર્ષે રૂ.૩૫૦૦થી૩૬૦૦ને આંબી રહ્યો છે. તેલિયા રાજાઓ દર વર્ષે યેનકેન પ્રકારે સિઝનમાં તેલનો ખેલ ખેલી નિર્દોષ પ્રજાને પરેશાન કરતા હોવાની વાત ટોક ઓફ ધી ટાઉન બની છે. પામોલિન, સોયાબિન તેમજ સન ફ્લાવર તેલ વેપારીઓ-દલાલો મલેશિયા-ઇન્ડોનેશિયા, સોયાબિન તેલ અમેરિકા-બ્રાઝિલ તેમજ સન ફ્લાવર તેલ યુક્રેન-રશિયા સહિતના વિવિધ દેશોમાંથી આયાત કરે છે. સ્થાપિતહિતોની ટોળકી એવો બચાવ કરે છે કે ઇમ્પોર્ટ ડયુટી ૩૫ ટકા જેટલી હોઇ ઇમ્પોર્ટેડ તેલનો ભાવ સ્થાનિક માર્કેટમાં વધવા પામ્યો છે.પેટ્રોલ-ડિઝલના ભાવની જેમ ખાધ્યતેલના ભાવની રોજ-બરોજ વધઘટનો ખેલ પણ ખેલાતો રહે છે.

એક જમાનો હતો જયારે માત્ર તલના તેલનો જ મહિમા હતો. ત્યારબાદ સિંગતેલનો જમાનો આવ્યો હતો. છેલ્લા દાયકાઓ દરમિયાન હેલ્થ કોન્સિયસનેસ વધતા કપાસિયા તેલ, સન ફ્લાવર, પામોલિન, મકાઇ સહિત સોયાબિનના તેલનો વપરાશ પણ અતિશય વધી ગયો છે. હાલમાં અથાણાની સિઝનમાં સિંગતેલનો ઉપાડ વધ્યો છે. પરંતુ વર્ષ દરમિયાન કપાસિયા તેલનો વપરાશ ગત વર્ષોની તુલનામાં અધધ વધ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ દિવસ દરમિયાન કપાસિયા તેલનોે ભાવ રૂ.૬૦ વધ્યો છે.

કેટલીક મિલના સંચાલકો, વેપારીઓ, દલાલો તેમજ સ્થાપિતહિતોની ટોળકીએ વિપુલ પ્રમાણમાં સિંગદાણા ચાઇનાને નિકાસ કરી દેતા આપણા દેશમાં સિંગદાણાની અછત સર્જાતા સિંગતેલના ભાવ વધવા પામ્યા છે. અલબત્ત્।, સ્થાપિતહિતોની ટોળકી એવું ગાણું ગાય છે કે રો-મટિરિયલ્સ, મજુરી, ઉત્પાદનના ઇતરખર્ચા, માવઠું સહિતના કુદરતી કારણોસર તેલનું ઉત્પાદન ઘટતા ભાવ વધ્યા છે.

(10:43 am IST)