Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

શું લાગશે લોકડાઉન ?

કોરોના પર PM મોદીની ચિંતા વધી

પ્રધાનમંત્રીએ તેલંગણા, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, ઝારખંડના એમ ચાર રાજયોના મુખ્યમંત્રી સાથે કોરોનાને લઈને વાત કરી

નવી દિલ્હી, તા.૭: દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે અને પરિસ્થિતિ બેકાબૂ બની રહી છે. આવામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ હાલની પરિસ્થિતિને લઈને કેટલાંક રાજયોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી.

પ્રધાનમંત્રીએ તેલંગણા, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, ઝારખંડના એમ ચાર રાજયોના મુખ્યમંત્રી સાથે કોરોનાને લઈને વાત કરી. આ સાથે-સાથે તેમણે પુડ્ડુચેરી અને જમ્મુ-કાશ્મીરના ઉપરાજયપાલ સાથે પણ વાતચીત કરી.

ભારતમાં કોરોનાની બીજી લહેર તબાહી મચાવી રહી છે. આવામાં ઓકિસજન અને બેડની ખૂબ અછત સર્જાઈ છે અને કેસ સતત વધી રહ્યાં છે. દેશમાં સંપૂર્ણ લોકડાઉનને લઈને હવે ચર્ચા ઉઠી છે જયારે કેટલાંય રાજયો પહેલેથી જ લોકડાઉન, કર્ફ્યૂ, નાઈટ કર્ફ્યૂ અને વીકેન્ડ લોકડાઉન જેવા પગલાં ભરી ચૂકયાં છે. મહારાષ્ટ્ર, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, દિલ્હી, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા રાજયોમાં કડક પ્રતિબંધ લાગુ છે.

અમેરિકાના ટોપ હેલ્થ એકસપર્ટ ડો. એન્ટરની ફાઉચી પણ કહી ચૂકયાં છે કે ભારતની હાલની પરિસ્થિતિને નિપટવા માટે તમામ તાકાતનો ઉપયોગ કરવો પડશે. જો લોકડાઉન થઈ જાય છે તો તે સંક્રમણના ટ્રાન્સમિશનની સ્પીડને રોકશે. આવા સમયમાં સરકારે પોતાની સંપૂર્ણ તૈયારી કરવી જોઈએ.

(11:03 am IST)