Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

કોરોનાના આઘાતમાં દ્વારકામાં ૩નો સામુહિક આપઘાત

પરિવારના પ્રૌઢનું મૃત્યુ થયા બાદ આજે સવારે મૃતકના પત્નિ તથા તેમના બન્ને યુવાન પુત્રોએ ઝેરી દવા ગટગટાવી લઈ મોત મીઠુ કર્યુ

દ્વારકામાં સામુહિક આપઘાત કરનાર ત્રણેયનો જન્મ જોગાનુજોગ જૂન મહિનામાં થયો'તો : દ્વારકા-ખંભાળીયા, તા. ૭ :. દ્વારકામાં જૈન પરિવારના ૩ વ્યકિતઓ સામુહિક આપઘાત કરતા અરેરાટી વ્યાપી ગઈ છે. મૃત્યુ પામનાર ત્રણેયનો જોગાનુજોગ જન્મ જૂન મહિનામાં થયો છે.  મૃતક સાધનાબેન જૈનની જન્મ તા. ૧૩-૬-૧૯૬૪ છે. તેમના પુત્ર દુર્ગેશ જૈનની જન્મ તા. ૧-૬-૧૯૮૬ અને બીજા પુત્ર કમલેશ જૈનની જન્મ તા. ૭-૬-૧૯૮૨ છે.

(વિનુભાઈ સામાણી - કૌશલ સવજાણી દ્વારા) દ્વારકા-ખંભાળીયા, તા. ૭ :. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા શહેરમાં આજે કોરોનાગ્રસ્ત પરિવારના મોભીનું અવસાન થયા બાદ તેમના પત્નિ અને બે પુત્રોએ સામુહિક આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે.

દ્વારકામાં રહેતા અને ફરસાણના વ્યવસાય સાથે સંકળાયેલા જયેશભાઈ (ઉ.વ. ૬૦) જૈન નામના પ્રૌઢને કોરોના પોઝીટીવ આવ્યા બાદ ગઈકાલે રાત્રીના દોઢ વાગ્યે તેમનુ અવસાન થયુ છે.

આજે સવારે જયેશભાઈ જૈનની અંતિમવિધિ પૂર્ણ થયા બાદ ઘરે આવીને જયેશભાઈ જૈનના પત્નિ સાધનાબેન જયેશભાઈ જૈન (ઉ.વ. ૫૫) તથા બે યુવાન પુત્રો કમલેશભાઈ જૈન (ઉ.વ. ૩૫) અને દુર્ગેશભાઈ જૈન (ઉ.વ. ૨૫)એ પોતાના ઘરે જ ઝેરી દવા પી લેતા પરિવારના મોભીના અવસાન બાદ તેમના પત્નિ અને બન્ને પુત્રોના પણ મોત થયા હતા.

પિતાના મૃત્યુથી બન્ને પુત્રો તથા તેમના પત્નિને ભારે આઘાત લાગતા આ પગલુ ભરી લીધાનુ જાણવા મળ્યુ છે. એક જ દિવસમાં જૈન પરિવારના ૪ વ્યકિતના કોરોના મહામારી અને તેના આઘાતમાં મોત થતા ઘેરો શોક છવાઈ ગયો છે.  આ બનાવની જાણ થતા મામલતદાર તથા દ્વારકા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પીટલે ખસેડાયા હતા.  દ્વારકામાં એક સાથે ૩ના સામુહિક આપઘાતના બનાવથી કોરોના મહામારી વચ્ચે ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

દૂધવાળા આવ્યા અને દરવાજો ખોલીને જોયુ ત્યાં જ ૩ ડેડબોડી હતી

(વિનુભાઈ સામાણી દ્વારા) દ્વારકા, તા. ૭ :. દ્વારકામાં એક જ પરિવારના ૩ વ્યકિતએ આત્મહત્યા કરી લેતા વહેલી સવારે દૂધવાળા ભાઈ જ્યારે દૂધનું વિતરણ કરવા આવ્યા તો દરવાજો ખોલ્યો ત્યાં જ ૩ના મૃતદેહ મળતા દેકારો મચી ગયો હતો અને આડોશપાડોશના લોકો એકત્ર થઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી.

દ્વારકાના પીઆઈ પી.બી. ગઢવી અને સ્ટાફે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પીટલે ખસેડવા તજવીજ હાથ ધરી હતી. પંચનામુ કરીને વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

(3:12 pm IST)