Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

ગોવા, દિલ્હી, બંગાળમાં ત્રણમાંથી એક વ્યકિત આવી રહી છે પોઝિટિવ

કેટલાક રાજયોમાં લોકડાઉન લાગુ કરાયા પછી પણ દેશમા કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છેઃ ઘણાં રાજયો રેકોર્ડ તોડી રહ્યા છે

નવી દિલ્હી, તા.૭: દેશમાં ઓછામાં ઓછા ૧૩ રાજયોમાં કોરોના પોઝિટિવ રેટ ૨૧% કે તેના કરતા વધારે છે. જેમાં રાજધાની દિલ્હીનો પણ સમાવેશ થાય છે જયાં ૨૧ એપ્રિલથી ૪ મે વચ્ચેનો પોઝિટિવ રેટ ૩૧.૭% રહ્યો છે. આ દરમિયાન ગોવાનો પોઝિટિવ રેટ લગભગ ૪૧% રહ્યો છે જે ભારતમાં સૌથી વધુ છે. અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના પોઝિટિવ રેટ એનાલિસિસથી ખ્યાલ આવે છે કે પુરતા ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ (ટ્રિપલ T)ની અછત છે.

પોઝિટિવિટી રેટનો આટલો વધારો એ દર્શાવે છે કે કેસો અંડર-રિપોર્ટ થઈ રહ્યા છે અને ટેસ્ટિંગ વધારવાની જરુર છે. ઘણાં રાજયોમાં પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે, આમ છતાં કેસલોડ વધી શકે છે. માર્ચમાં જયાં માત્ર એક રાજયમાં પોઝિટિવિટી રેટ ૭%થી ઉપર હતો, ત્યારે હવે ઓછામાં ઓછા ૨૦ રાજયોમાં પોઝિટિવિટી રેટ સૌથી વધુ છે.

દિલ્હીમાં ૮ એપ્રિલથી ૨૧ એપ્રિલ વચ્ચે પોઝિટિવિટી રેટ ૧૯% હતો જે ૨૧ એપ્રિલથી ૪ મે વચ્ચે વધીને ૩૨% પર પહોંચી ગયો. ગોવા અને દિલ્હી સિવાય પશ્ચિમ બંગાળમાં પણ આ દરમિયાન પોઝિટિવિટી રેટ ૩૦% કરતા વધારે છે. આખા દેશની વાત કરીએ તો ૨૧ એપ્રિલથી ૪ મે વચ્ચે કોરોના પોઝિટિવિટી રેટ ૨૧% કરતા વધારે થઈ ગયો છે, જયારે માર્ચમાં તે ૩-૪% વચ્ચે હતો.

આ રાજયોની સ્થિતિમાં થોડો સુધારો

જોકે, મહારાષ્ટ્રમાં સંક્રમણની ગતિ થોડી ધીમી પડી છે. અહીંનો પોઝિટિવિટી રેટ ૨૫્રુ (૮થી ૨૧ એપ્રિલ)થી ઘટીને ૨૩% (૨૧ એપ્રિલથી ૪ મે) થયો છે. છત્તીસગઢમાં પોઝિટિવિટી રેટમાં ૧%નો ઘટાડો આવ્યો છે, પરંતુ હાલ તેની ટકાવારી ૨૮% છે.

દેશમાં નવ રાજયોમાં કોરોના પોઝિટિવિટી રેટ ૧૦%-૨૦% વચ્ચે છે. માત્ર આસામ અને પૂર્વોત્તરના કેટલાક રાજયોમાં સંક્રમણનો દર ૫% કે તેનાથી ઓછો છે. પાછલા એક મહિનાની અંદર ઓડિશામાં સંક્રમણનો દર ઝડપથી ડબલ થઈ રહ્યો છે.

(11:39 am IST)