Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

સાવધાન...ફેફસાની સાથે હૃદય પર પણ હુમલો કરે છે કોરોના

કોરોના દર્દીમાં આવી જાય છે નબળાઈની તકલીફ

નવી દિલ્હી, તા. ૭ :. રાજધાનીમાં કોરોનાના કારણે રોજ ૩૫૦થી વધારે લોકોના મોત થઈ રહ્યા છે. આ વાયરસ બેથી ત્રણ દિવસમાં જ દર્દીના ફેફસાને ખરાબ કરી રહ્યો છે અને આના લીધે જ તેનુ મોત થાય છે. હવે એવા પણ કેટલાક કેસ સામે આવ્યા છે. જેમા આ વાયરસ ફેફસાની સાથે જ હૃદયને પણ નુકસાન પહોંચાડી રહ્યો છે. ડોકટરો અનુસાર વાયરસ રકતવાહિનીઓ પર પણ ખરાબ અસર કરે છે. જે તેની અંદર સોજો ઉત્પન્ન કરીને લોહીના ગઠ્ઠા બનાવી રહ્યો છે, તેના કારણે દર્દીઓને એટેક પણ આવી જાય છે અને તેનાથી તેનુ મોત થાય છે. રાજીવ ગાંધી સુપર સ્પેશ્યાલીટી હોસ્પીટલના એક ડોકટરે જણાવ્યું કે હોસ્પીટલમાં દાખલ થનારા કેટલાક દર્દીઓમાં હૃદયરોગની તકલીફો જોવા મળી છે. યુવા અને ૫૦ વર્ષથી વધારે વયના દર્દી પણ આનાથી ગ્રસ્ત છે. છેલ્લા કેટલાક દિવસોમાં એવા દર્દીઓ દાખલ થયા છે. જેમના હૃદયમાં લોહીના ગઠ્ઠા જામેલા જોવા મળ્યા છે. આવા દર્દીઓની તાત્કાલીક ઓળખ કરીને હૃદયરોગના નિષ્ણાંતોની દેખરેખમાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. ગત દિવસોમાં આવા એક દર્દીનું હોસ્પીટલમાં મોત પણ થયું છે. સીનીયર ડો. પ્રવીણકુમાર જણાવે છે કે કેટલાક કોરોના દર્દીઓમાં સંક્રમણના કારણે હૃદયની માસપેશીઓમાં સોજાની તકલીફ આવી જાય છે. જેના કારણે હૃદયન આકાર વધી જાય છે. રકતચાપ ઘટવા લાગે છે અને તેને હૃદયને લગતી તકલીફ થવા લાગે છે. તેમણે કહ્યું કે કોરોના સંક્રમિત દર્દીઓમાં લોહીના ગઠ્ઠા જોવા મળ્યા છે. કોરોના વાયરસના કારણે ફેફસાની ક્ષમતા ઘટી જાય છે અને તેનાથી હૃદયને પુરતો ઓકસીજન નથી મળતો. જે દર્દીઓને ડાયાબીટીસ અને હાઈબ્લડપ્રેશરની બિમારી હોય છે તેમને કોરોનાથી ગંભીર જોખમ ઉભુ થાય છે.

(11:40 am IST)