Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

પહેલો સગો પાડોશી : પશ્ચિમી દેશોએ ભારતની મદદ માટે અસમર્થતા બતાવી ત્યારે ચીન મદદે દોડી આવ્યુ

છેલ્લા અઠવાડીયામાં ભારતને આવશ્યક દવા-ઓકસીજન સહીતની વસ્તુઓ પહોંચાડવા ડઝનેક હવાઇ ટ્રીપો કરી

નવી દીલ્હી તા. ૭ : ચીની રાષ્ટ્રપતિ શી જીનપીંગે ભારતમાં નવા કોરોના વાયરસ મહામારી લહેરને ધ્યાને લઇ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી જરૂરી મદદ માટેનો હાથ લંબાવ્યો છે.

બીજી તરફ ભારત સ્થિત ચીની રાજદુત સુન વેઇતુંગે પણ કહ્યુ છે કે ચીન ભારત દ્વારા આદેશિત મહામારી વિરોધી સામગ્રીઓના ઉત્પાદનને વધારવા પ્રયાસો શરૂ કરી દેવાયા છે.

છેલ્લા કેટલાક અઠવાડીયામાં ભારતને વિવિધ આવશ્યક મેડીકલ વસ્તુઓ પહોંચાડવા ચીને ડઝનેક ઉડાનો ભરી હતી. સાથે ચીન અને ભારતના વિદેશ મંત્રિઓએ પણ ફોન પર વાતચીત દરમિયાન મહામારીથી લડવા પારસ્પરીક સહયોગ મજબુત બનાવવા સદ્દભાવ વ્યકત કરેલ.

અહીં 'પહેલો સગો પાડોશી' કહેવત  ચરીતાર્થ થતી હોય તેવો તાલ જોવા મળ્યો છે. દુરના સંબંધી કરતા પડોશી પહેલા કામ આવે તે મુજબ ચીને ભારતને કોઇપણ સહયોગ માટે હાથ લંબાવ્યો છે.

ભારત સ્થિત ચીની દુતાવાસોએ જણાવ્યાનુસાર એપ્રિલ મહીનામાં ચીને ભારતને પ હજારથી વધુ વેન્ટીલેટર, ૨૦ હજારથી વધુ ઓકસીજન જનરેટર અને ૩૮૦૦ ટન દવાઓ મોકલાવી છે.

જયારે સામે કેટલાક પશ્ચિમી દેઓ જે 'કવાડ' ની સ્થાપના કરવા ઇચ્છે છે અને ભારતને તેમાં સામેલ થવા લલચાવે છે. પરંતુ ભારતને મદદ કરવામાં એકદમ ઠંડો પ્રતિસાદ આપ્યો છે. એટલુ જ નહીં ભારતીય વિમાનો અને યાત્રીઓને પ્રવેશ પર પણ ફટાફટ પ્રદેશ લાદી દીધો છે. ઓસ્ટ્રેલીયાએ તો એવા યાત્રીકોને ઘસીને પ્રવેશની ના પાડી દીધી જેવો ભારતીય મુળના હતા. જયારે રસી માટે ભારતે તેમનું સમર્થન કરવામાં પાછુ વળીને નહોતુ જોયુ.

આવુ જ અમેરીકા અને કેટલાક અન્ય પશ્ચિમી દેશોનું છે. જેઓ ભારતને મદદ માટે અસમર્થતા દર્શાવી રહ્યા છે. તેઓની સ્થિતી પણ એવી છે કે મ્યુટેંટનું જોખમ અને મહામારીને નિયંત્રણમાં લેવા ખતરો મો ફાડીને ઉભો છે. એટલે અમેરીકા સહીતના કેટલાક પશ્ચિમી દેશો જેઓ હજુ પોતાને બચાવવા સંઘર્ષ કરી રહ્યા છે તેઓ બીજાને મદદ કરવા કઇ રીતે આગળ આવી શકે?

જયારે આ મામલે ફકત ચીન ભારતની મદદે આવી શકે તેવી સ્થિતીમાં છે. કેમ કે ચીન પાસે પર્યાપ્ત માત્રામાં મહામારી વિરોધી સામગ્રી અને પૂર્ણ ઔદ્યોગીક શૃંખલા ઉપલબ્ધ છે. ચીને એક એવો દેશ છે કે જેણે મહામારીને નિયંત્રણમાં લઇ લીધી છે. એટલે તેને આ માહામારી રોકવા માટેનો સમૃધ્ધ અનુભવ પણ છે.

ત્યારે કોઇ પૂર્વ શરતો વગર ચીન ભારતની મદદે આવ્યુ અને પડોશી ધરમને નિભાવી રહ્યુ છે. જો કે અહીં એ પણ ઉલ્લેખનીય છે કે આ પડોશી વહેવાર એકતરફી નથી. કેમ કે જરૂરીયાતના સમયે ભારત પણ ચીનની પડખે ઉભુ રહ્યુ છે. જેના ઉદાહરણો ચીનની શાળાના પાઠય પુસ્તકોમાં પણ દેવામાં આવી રહ્યા છે.

(11:44 am IST)