Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

હવે તો હદ થઈ ગઈ...

દવાની કંપની દ્વારા કોરોનાની કીટને ધોઈને ફરી વેચાણ કરવાનું કૌભાંડ

એરપોર્ટમાં ટેસ્ટીંગ થતું હતું, ૯૦૦ લોકો સંક્રમીત

નવીદિલ્હીઃ કોરોના સંક્રમણની વચ્ચે માનવતાને નેવે મુકીને દર્દીઓને લૂંટનારા લેભાગુઓ ભારતમાં જ છે તેવું નથી. બીજા દેશોમાં પણ લોકોની લાચારીનો ઉપયોગ પૈસા રળવા માટે થઈ રહ્યો છે. ઈસ્ટ એશિયાના દેશ ઈન્ડોનેશિયામાં બહાર આવેલા એક કિસ્સામાં એક દવા કંપનીના સંખ્યાબંધ કર્મચારીઓએ કોરોના માટે ઉપયોગમાં લેવાયેલી ટેસ્ટિંગ કીટને ધોઈને ફરી વેચી છે. પોલીસનું કહેવું છે કે, આ છેતરપિંડીનો શિકાર એરપોર્ટ પર ઓછામાં ઓછા ૯૦૦ લોકો થયા છે. આ માટે સરકારી કંપની સામે કેસ કરવામાં આવ્યો છે.

ભારત સહિત ઘણા દેશોમાં નાકમાંથી સ્વેબ લઈને ટેસ્ટિંગ કરવામાં આવતું હોય છે. આ માટે રેપિડ એન્ટીજન ટેસ્ટ કિટનો ઉપયોગ થાય છે. પોલીસનુ કહેવું છે કે, ઈન્ડોનેશિયાના ઉત્તરી સુમાત્રા ખાતે આવેલા કુઆલાનામૂ એરપોર્ટ પર વપરાયેલી કિટોને ફરી ઉપયોગમાં લઈને ટેસ્ટ કરવાનું કૌભાંડ ચાલતું હતું.

ઈન્ડોનેશિયામાં વિમાની મુસાફરી કરનારા માટે ટેસ્ટિંગ જરૂરી છે. આ માટે એરપોર્ટ પર વ્યવસ્થા કરવામાં આવી છે. કુઆલાનામૂ એરપોર્ટ પર ટેસ્ટિંગ કરનારા પાંચ કર્મચારીઓ અને મેનેજરની ધરપકડ કરાઈ છે. એવી આશંકા છે કે, તેમણે વપરાયેલી કિટનો ઉપયોગ કરીને તેનો ફરી ઉપયોગ કર્યો હતો. પોલીસે આ મામલામાં ૨૩ લોકોના નિવેદન નોંધ્યા છે. વપરાયેલી કિટનો ઉપયોગ કરીને આ ટોળકીએ લગભગ એકાદ કરોડ રુપિયાની કમાણી કરી હોવાનુ મનાઈ રહ્યું છે. દરમિયાન કેટલાક મુસાફરો પણ હવે આ કંપની પર કોર્ટમાં કેસ કરીને યાત્રી દીઠ ૧૦૦ કરોડ રૂપિયાનુ વળતર માંગવાના મૂડમાં છે.

(3:24 pm IST)