Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

ઈદની પાર્ટીમાં આવેલો શખસ દાગીના ચોરી ગળી ગયો

હીરાનો હાર, સોનાની ચેઈન ગળી ગયા બાદ બિરયાની ખાઈ લીધી : પોલીસે યુવકના પેટનું સ્‍કેન કરાવતાં દાગીના જોવા મળ્‍યાઃ ટ્રિક અજમાવી પાછા મેળવ્‍યા

ચેન્‍નાઇ, તા.૭: તમિલનાડુની રાજધાની ચેન્નઈમાંથી એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. ઈદ નિમિત્તે જવેલરી શો રૂમમાં મેનેજર તરીકે કામ કરતી એક મહિલાએ પોતાના જ શો રૂમમાં કામ કરતાં એક યુવક અને યુવતીને દાવત માટે ઘરે બોલાવ્‍યા હતા. જો કે, ઘરે આવેલાં યુવકે હીરા-સોનાના દાગીના ગળી ગયો હતો અને તેની ઉપર બિરયાની પણ ખાઈ લીધી હતી. જો કે જયારે દાગીના ગાયબ થતાં આ મામલે મહિલાએ પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે યુવકની પૂછપરછ કરતાં તેણે પોતાનો ગુનો કબૂલી દીધો હતો. બાદમાં યુવકના પેટને સ્‍કેન કરવામાં આવ્‍યું હતું. જેમાં દાગીના હોવાનું જણાઈ આવતાં પોલીસે તેને કેળાં ખવડાવ્‍યા હતા અને બાદમાં મળ મારફતે દાગીના પરત મેળવ્‍યા હતા. જો કે, બાદમાં મહિલાએ પોતાની ફરિયાદ પરત ખેંચી લેતાં પોલીસે યુવકને મુક્‍ત કરી દીધો હતો.
સમગ્ર ઘટના ચેન્નઈના સાલિગ્રામમ વિસ્‍તારની છે. અહીં રહેતી એક મહિલાનું ગમબક્કમ વિસ્‍તારમાં આવેલાં જવેલરી સ્‍ટોરમાં મેનેજર તરીકે કામ કરે છે અને તેના છૂટાછેડા થયેલાં છે. તેના સ્‍ટોરમાં એક યુવતી અને અન્‍ય એક યુવક કામ કરે છે. યુવકના પણ છૂટાછેડા થયેલાં છે. અને યુવક તેમજ સ્‍ટોર મેનેજર મહિલા વચ્‍ચે સંબંધ હતા. મંગળવારે ઈદના કારણે મેનેજર મહિલાએ યુવક અને યુવતીને ઈદની દાવત માટે પોતાના ઘરે બોલાવ્‍યા હતા.
જો કે, દાવત ખાધા બાદ યુવક અને યુવતી ઘરે જવા રવાના થયા તે સમયે મહિલા મેનેજરને જાણ થઈ હતી કે, તેના ઘરમાંથી હીરાનો હાર, સોનાની ચેઈન અને સોનાનું એક પેન્‍ડેન્‍ટ ગાયબ હતું. જે બાદ તેણે આ મામલે યુવક અને યુવતીની પૂછપરછ શરૂ કરી હતી. જો કે, આ સમયે યુવક અને યુવતીએ દાગીના ન જોયા હોવાનું જણાવ્‍યું હતું. જે બાદ આ મામલે મહિલાએ પોલીસને જાણ કરી હતી.
મહિલા મેનેજરે દાગીના ચોરી થવા મામલે વિરુદમબક્કમ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદમાં મહિલાએ જણાવ્‍યું હતું કે, પોતે જે રૂમમાં દાગીના મુકે છે, તે રૂમમાં યુવકે પોતાને ૧૦ મિનિટ સુધી બંધ કરી દીધો હતો. જેથી યુવકે જ ચોરી હોવાની આશંકા મહિલા મેનેજરે વ્‍યક્‍ત કરી હતી. જે બાદ પોલીસે પૂછપરછ કરતાં યુવકે પોતાનો ગુનો કબૂલી દીધો હતો.
યુવકની કબૂલાત બાદ પોલીસ તેને હોસ્‍પિટલ લઈ ગઈ હતી. અને બાદમાં ડોક્‍ટરની મદદથી તેના પેટનું સ્‍કેન કરવામાં આવ્‍યું હતું. સ્‍કેન કરતાં ખબર પડી કે, દાગીના તેના પેટમાં જ છે. જે બાદ ગુરુવારની સવારે યુવકને પોલીસ દ્વારા કેળાં ખવડાવવામાં આવ્‍યા હતા. અને બાદમાં મળ મારફતે દાગીના બહાર કાઢવામાં આવ્‍યા હતા.
પોલીસે આ દાગીના મહિલા મેનેજરને પરત આપી દીધા હતા. જો કે, દાગીના પરત મળી ગયા બાદ મહિલા મેનેજરે પોતાની ફરિયાદ પરત ખેંચી લીધી હતી. જયારે યુવકે જણાવ્‍યું કે, તેણે જયારે ચોરી કરી ત્‍યારે તે નશામાં હતો. પોલીસે જણાવ્‍યું હતું કે, યુવક ૨૦૨૦ સુધી દુબઈમાં કામ કરતો હતો અને કોરોના મહામારીને કારણે તે શહેરમાં પરત આવી ગયો હતો. યુવકનું બેકગ્રાઉન્‍ડ સારું છે અને તે સારા ઘરમાંથી આવે છે અને હાલ તે નોકરીની શોધમાં રહે છે.

 

(10:51 am IST)