Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

ગાયના છાણમાંથી લાકડા બનશે : દિલ્‍હીના છાત્રોને મશીન અર્પણ કરતા રૂપાલા

ભારતના પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી શ્રી પરસોતમ રૂપાલાએ દિલ્‍હી ખાતે આઇ.આઇ.ટી.ના વિદ્યાર્થીઓને ગાયના છાણમાંથી લાકડા બનાવવાનું મશીન અર્પણ કરેલ તે પ્રસંગની તસ્‍વીર.

નવી દિલ્‍હી,તા. ૭ : હવે ગાયના છાણમાંથી લાકડા બનશે. આ જાણી અચરજ ન કરો, કારણ કે, કેન્‍દ્રીય ડેરી ઉદ્યોગ-પશુપાલન મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ IIT દિલ્‍હીના વિદ્યાર્થીઓને ગાયના છાણમાંથી લાકડા બનાવવાનું મશીન ‘ગિફટ'કર્યું છે. આ મશીન પર્યાવરણના રક્ષણમાં મદદ કરશે, વૃક્ષોનું નિકંદન અટકાવશે

કેન્‍દ્રીય પશુપાલન અને ડેરી મંત્રી પરસોત્તમ રૂપાલાએ નવી દિલ્‍હીમાં ઇન્‍ડિયન ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ ટેક્‍નોલોજી દિલ્‍હીના વિદ્યાર્થીઓને ગાયના છાણમાંથી લાકડાનું બળતણ બનાવતું મશીન ગૌ - કાષ્ઠ મશીન આપ્‍યું હતું. આ મશીનનો ઉપયોગ છાણ આધારિત બળતણના લાકડાને લાંબા બ્‍લોક જેવા આકારમાં બનાવવા માટે થાય છે. આ મશીનમાં ગાયનું છાણ અને પશુધનનો કચરો જેમ કે, સૂકા ડાંગરને ભેળવીને લાકડા સ્‍વરૂપે ફેરવી પછી તેને તડકામાં સૂકવવામાં આવે છે.

આ મશીન વડે દરરોજ ત્રણ હજાર કિલોગ્રામ ગાયના છાણ પર પ્રક્રિયા કરી એક હજાર પાંચસો કિલોગ્રામ ગાયના છાણ આધારિત લાકડાનું ઉત્‍પાદન કરી શકાય છે. તેનો ઉપયોગ પાંચથી સાત મૃતદેહોના અંતિમ સંસ્‍કાર માટે લાકડા તરીકે કરી શકાય છે.

શ્રી રૂપાલાએ જણાવ્‍યું હતું કે આ મશીન પર્યાવરણના રક્ષણમાં મદદ કરશે, વૃક્ષોનું નિકંદન અટકાવશે અને આવક પણ ઉભી કરશે . ગાયના છાણના યોગ્‍ય ઉપયોગ માટે આ મશીન સમગ્ર દેશમાં ઉપલબ્‍ધ કરાવવાની જરૂરિયાત પણ પર ભાર મૂક્‍યો હતો.

(10:53 am IST)