Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

હવે દિલ્‍હીમાં વ્‍હેલી સવારે ૩ વાગ્‍યા સુધી ખુલ્લા રહી શકશે દારૂના બાર

અત્‍યાર સુધી રાતના ૧ સુધીની છુટ હતી

 

 

નવી દિલ્‍હી, તા.૭: દિલ્‍હી સરકારે એક નીતિગત નિર્ણય લીધો છે જેના હેઠળ બાર સંચાલકો સવારે ત્રણ વાગ્‍યા સુધી દારૂ પીરસવાની પરવાનગી આપવામાં આવશે. એક સીનીયર અધિકારીએ આ માહિતી આપતા જણાવ્‍યું કે સરકારે આકારી વિભાગને જરૂરી આદેશો બહાર પાડયા છે અને આબકારી નીતિ ૨૦૨૧-૨૨ અનુસાર ટુંક સમયમાં જ એક આદેશ બહાર પડવાની શકયતા છે.

તેમણે કહ્યું, ‘રેસ્‍ટોરામાં બારને અત્‍યારે રાત્રે ૧ વાગ્‍યા સુધી સંચાલિત કરવાની પરવાનગી છે. જો આ સમય સવારના ત્રણ વાગ્‍યા સુધી લંબાવાશે તો આબકારી વિભાગ પોલિસ સહિત અન્‍ય એજન્‍સીઓ સાથે કામ કરશે. નવેમ્‍બર ૨૦૨૧થી લાગુ કરાયેલ નવી આબકારી નીતિમાં ભલામણ કરવામાં આવી છે કે બારના સંચાલનનો સમય પડોશી શહેરો જેટલો કરી શકાય છે.

એનસીઆર શહેરો, હરિયાણાના ગુણાંવ અને ફરીદાબાદમાં બાર સવારે ત્રણ વાગ્‍યા સુધી ખુલ્લા રાખવાની છૂટ છે. જો કે નોઇડા અને ગાઝીયાબાદમાં બાર એક વાગ્‍યા સુધી ખુલ્લા રહે છે, રાષ્‍ટ્રીય રાજધાનીમાં ૫૫૦ રેસ્‍ટોરા આબકારી વિભાગ પાસેથી એલ-૧૭ લાઇસન્‍સ લઇને ભારતીય અને વિદેશી બ્રાંડનો દારૂ પીરસે છે.

લગભગ ૧૫૦ જેટલી હોટલો અને મોટેલોનાં રેસ્‍ટોરામાં પહેલાથી જ ૨૪ કલાક દારૂ પીરસવાની છૂટ છે. આવા રેસ્‍ટોરાને આબકરી વિભાગ દ્વારા એલ-૧૬ લાઇસન્‍સ આપવામાં આવે છે. નેશનલ રેસ્‍ટોરંટ એસોસીએશન ઓફ ઇન્‍ડિયા (એનઆરએઆઇ)ના અધ્‍યક્ષ કબીર સૂરીએ આ પગલાનું સ્‍વાગત કરતા કહ્યું, ‘અમે આવી માંગણી સાથે દિલ્‍હી સરકારનો સંપર્ક કર્યો હતો કે બારનો સમય ત્રણ વાગ્‍યા સુધી લંબાવવામાં આવે કેમ કે નીતિમાં આની ભલામણ કરવામાં આવી છે.

(3:47 pm IST)