Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

HDFCએ હોમલોનના વ્યાજ દરમાં ૦.૩૦ ટકા વધારો કર્યો

રિઝર્વ બેંકે રેપો રેટ વધારતા લોનના વ્યાજ પર અસર ઃ નવા વ્યાજદર ૯ મેથી લાગુ, HDFCની હોમ લોનના વ્યાજ દર ૭ ટકાથી ૭.૪૫ ટકાની રેન્જમાં શરુ થશે

મુંબઈ, તા.૭ ઃ રિઝર્વ બેંકે રેપો રેટમાં વધારો ઝીંક્યા બાદ હવે એક પછી એક બેંકો પણ હોમલોનનાં વ્યાજ વધારવા લાગી છે. દેશની સૌથી મોટી ખાનગી એનબીએફસી ગણાતી એચડીએફસીએ પણ હવે હોમલોનના વ્યાજ દરમાં વધારો જાહેર કર્યો છે. જે ૦૯ મે ૨૦૨૨થી લાગુ પડી જશે. એચડીએફસીના એક નિવેદન અનુસાર, હોમ લોનના વ્યાજ દરમાં ૦.૩૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. નવા દર તમામ લોનધારકોને લાગુ પડશે. વ્યાજનો દર વધવાથી હોમ લોનના ઈએમઆઈમાં પણ વધારો થશે, જો ઈએમઆઈ યથાવત રહે તો હોમલોનનો સમયગાળો લંબાઈ જશે. એચડીએફસીના જણાવ્યા અનુસાર, હાઉસિંગ લોનના રિટેઈલ પ્રાઈમ લેન્ડિંગ રેટ (આરપીએલઆર)માં વધારો થતાં એડજસ્ટેબલ રેટ હોમ લોન્સ (એઆરએચએલ)ના બેન્ચમાર્કમાં ૦.૩૦ ટકાનો વધારો થશે, જે ૦૯ મેથી લાગુ પડી જશે. નવા દર સાથે એચડીએફસીની હોમ લોનના વ્યાજ દર ૭ ટકાથી ૭.૪૫ ટકાની રેન્જમાં શરુ થશે. એચડીએફસીએ થોડા દિવસ પહેલા જ વ્યાજ દરમાં ૦.૦૫ ટકાનો વધારો કર્યો હતો જે ૦૧ મેથી લાગુ કરાયો હતો. જોકે, હાલમાં જ આરબીઆઈએ અચાનક જ રેપો રેટમાં વધારો કરતાં બેંકે તેની અસર રુપે હોમલોનના રેટ વધારી દીધા છે. આરબીઆઈએ ૦૪ મેના રોજ રેપો રેટમાં ૦.૪૦ ટકાનો વધારો કરીને તેને ૪ ટકાથી ૪.૪૦ ટકા કર્યો હતો. ત્યારથી જ મનાઈ રહ્યું હતું કે હવે વિવિધ એનબીએફસી તેમજ બેંકો હોમ લોનના વ્યાજ દરમાં પણ ગણતરીના દિવસોમાં જ વધારો ઝીંકશે. આરબીઆઈ રેપો રેટ ઘટાડે ત્યારે તેનો લાભ ગ્રાહકોને આપવામાં બેંકો ઘણો સમય લગાવી દેતી હોય છે, અને મોટાભાગના કેસમાં રેપો રેટમાં થયેલા ઘટાડા અનુસાર લોનના વ્યાજદરમાં ભાગ્યે જ ઘટાડો થતો હોય છે. જોકે, રેપો રેટના વધારા બાદ બે-ચાર દિવસમાં જ ઘણી બેંકોએ વ્યાજ દર વધારી દીધા છે. એચડીએફસી પહેલા બેંક ઓફ બરોડા અને આઈસીઆઈસીઆઈ પણ હાઉસિંગ સહિતની લોનના વ્યાજ દર વધારી ચૂકી છે. આ સિવાય સેન્ટ્રલ બેંક અને બેંક ઓફ ઈન્ડિયાએ પણ વ્યાજ દરમાં ૦.૪૦ ટકાનો વધારો કર્યો છે.

બેંકો હોમ લોનનો વ્યાજ દર વધારે ત્યારે જરુરી નથી કે તમારો ઈએમઆઈ પણ તેની સાથે જ વધી જાય. મોટાભાગના કેસમાં બેંક ઈએમઆઈમાં ફેરફાર કરવાને બદલે લોનના સમયગાળામાં એડજસ્ટમેન્ટ કરી દેતી હોય છે. સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીએ તો, ધારો કે તમારી ૨૦ લાખ રુપિયાની હોમ લોન અત્યારસુધી ૬.૮૫ ટકા વ્યાજ દરે ચાલે છે, જેનો સમયગાળો ૨૦ વર્ષનો છે. આ લોનનો ઈએમઆઈ ૧૫,૩૨૬ રુપિયા થાય. હવે જો વ્યાજ દર ૦.૩૦ ટકા વધીને ૭.૧૫ ટકા થઈ જાય, અને જો તેનો સમયગાળો તે જ રાખવામાં આવે તો તમારે હવે ૧૫,૬૮૭ રુપિયાનો ઈએમઆઈ ભરવો પડશે. બીજી તરફ, જો તમારે ઈએમઆઈ યથાવત રાખવો હોય તો તમારી લોનનો સમયગાળો એકાદ વર્ષ જેટલો વધી જશે.

(8:04 pm IST)