Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

ટાટા સ્ટીલ જમશેદપુરના પ્લાન્ટમાં ઘડાકો, બે ઘાયલ

IMMM કોક પ્લાન્ટના બેટરી નંબર- ૬ અને ૭ની ઘટના ઃ પ્લાન્ટના બેટરી ગેસ લાઇનમાં ગેસ કટિંગ કે વેલ્ડિંગની કામગીરી થઇ રહી હતી ત્યારે લાઇનમાંથી ગેસ લિકેજ થયો

જમશેદપુર, તા.૭ ઃ ટાટા સ્ટીલના જમશેદપુર સ્થિત પ્લાન્ટમાં મોટો ધડાકો થયો છે. આ ધડાકો થયા બાદ સમગ્ર વિસ્તારમાં ભાગદોડ મચી છે. ટાટા સ્ટીલના જમશેદપુર પ્લાન્ટમાં આગ લાગવાથી અને ગેસ લિકેજ થયા બાદ કર્મચારીઓને તાત્કાલિક સુરક્ષિત બહાર કાઢવામાં આવી રહ્યા છે. ઘટનામાં બે લોકોને ઇજા થઇ છે.

ટાટા સ્ટીલના આ પ્લાન્ટમાં સવારે ૧૦.૨૦ કલાકે ધડાકો થયો હોવાનું કહેવાય છે. આ ઘટના આઇએમએમએમ કોક પ્લાન્ટના બેટરી નંબર- ૬ અને ૭માં બની છે. સ્ટીલ પ્લાન્ટમાં ધડાકા બાદ લાગેલી આગને બુઝવવા માટે ફાયર બ્રિગેડની ગાડીઓ બોલાવવામાં આવી છે.

પ્લાન્ટના બેટરી નંબર, ૫, ૬ અને સાતની ગેસ લાઇનમાં હીટ એટલે કે ગેસ કટિંગ કે વેલ્ડિંગની કામગીરી થઇ રહી હતી ત્યારે ગેસ લાઇનમાંથી ગેસ લિકેજ થયો. ગેસ લાઇનમાં કોક ઓવન ગેસ હતો, જેને કાર્બન મોનોક્સાઇડ પણ કહેવાય છે જે ઘણો જ્વલનશીલ હોય છે.

આ ઘટના બાદ કંપનીની અંદર સુરક્ષા સંબંધિત પ્રશ્નો ઉભા થયા છે. હવે એ પ્રશ્ન ઉદભવ્યો છે કે, જ્યારે ગેસ લાઇનમાં વેલ્ડિંગની કામગીરી થઇ રહી હતી તો ગેસ લાઇનને બંધ કરાઇ હતી કે નહીં.   

આ ધડાકો એટલો જબરદસ્ત હતો કે કોક પ્લાન્ટની આસપાસના અન્ય બીજા વિભાગોના ચેમ્બરોના કાચ તૂટી ગયા હતા. ધડાકાનો અવાજ સાકચી, કાશીડીહ, એગ્રીકો સહિત ગોલમુરી, બર્મામાઇંસ અને બારીડીહ જેવા વિસ્તારો સુધી સંભળાયો હતો. ધડાકાનો અવાજ સાભળી કેટલાંક લોકો તો દહેશતમાં આવી ગયા હતા.

પાછલા વર્ષે ૧૮ જાન્યુઆરીમાં પણ ટાટા સ્ટીલ કંપનીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો, તે સમયે ધડાકો થયા બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટના સાકચી છોર તરફ તારાપુર ડમ્પિંગ યાર્ડમા થઇ હતી.

 

(8:06 pm IST)