Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

હિંદુત્વના મુદ્દે વિવાદાસ્પદ પ્રશ્ન સંદર્ભે પેપર સેટ કમિટી સસ્પેન્ડ

શારદા યુનિ.ના બીએ ઈન્ટરનલ એક્ઝામથી નવો વિવાદ ઃ પરીક્ષામાં હિન્દુત્વની તુલના ફાસીવાદ અથવા નાઝીવાદ સાથે કરતા પોતાના વિચાર રજૂ કરવા કહેવામાં આવ્યું

નોઈડા, તા.૭ ઃ શારદા યુનિવર્સિટીના બીએ પોલિટિકલ સાયન્સના ઈન્ટરનલ એક્ઝામથી સોશિયલ મીડિયા પર નવો વિવાદ શરૃ થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર શારદા યુનિવર્સિટી પર હિન્દુ વિરોધી હોવાનો આરોપ લગાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતા વિકાસ પ્રિતમ સિંહા પણ આ વિવાદમાં સામેલ થઈ ચૂક્યા છે. બીએ પોલિટિકલ સાયન્સના પ્રશ્નપત્રમાં પૂછાયેલા એક પ્રશ્ન પર તેમણે નારાજગી વ્યક્ત કરી છે.

બીજેપી નેતાએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, યુનિવર્સિટીનું નામ 'શારદા' પર કૃત્ય જુઓ કે, પરીક્ષામાં વિદ્યાર્થીઓને 'હિન્દુત્વ'ને અનિવાર્ય રૃપે ફાસી અને નાઝીવાદની સમકક્ષ સિદ્ધ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. આ પ્રશ્નપત્ર કથિત રીતે કોઈ મુસ્લિમ શિક્ષક દ્વારા બનાવવામાં આવ્યું છે. શારદા યુનિવર્સિટીમાંમાં સેશન ૨૦૨૧-૨૨ના મિડ ટર્મ એક્ઝામ ચાલી રહી છે. શુક્રવારે(૦૬ મે ૨૦૨૨), પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની બીએ પોલિટિકલ સાયન્સ ઓનર્સ (સેમેસ્ટર-૨) ની પરીક્ષા હતી. આ વિષયના પ્રશ્નપત્રના ૩ સેક્શન એ, બી અને સીમાં કુલ ૮ સવાલ પૂછવામાં આવ્યા હતા. પરંતુ છઠ્ઠા સવાલના કારણે પેપર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું હતું. છઠ્ઠા સવાલમાં વિદ્યાર્થીઓને હિન્દુત્વની તુલના ફાસીવાદ અથવા નાઝીવાદ સાથે કરતા પોતાના વિચાર રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું.

ફાસીવાદ અને નાઝીવાદ બે વિચારધારા છે. ફાસીવાદમાં વ્યક્તિની સ્વતંત્રતા મર્યાદિત હોય છે તથા રાજ્યોની સત્તાઓને પ્રથમ સ્થાન આપવામાં આવે છે. તેને સીધા અને સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવે તો સરમુખત્યારશાહી. આ વિચારધારાનો ઉદય ઈટાલીમાં થયો હતો. બીજી તરફ નાઝીવાદ હિટલરની વિચારધારા હતી. આ બંનેમાં ઘણી સામ્યતાઓ છે.

મામલો વેગ પકડતો જોઈને શારદા યુનિવર્સિટીએ તાત્કાલિક ૩ સભ્યોની તપાસ સમિતિ બનાવી અને પેપર સેટ કરનારી કમિટીને સસ્પેન્ડ કરી દીધી હતી. શારદા યુનિવર્સિટી તરફથી આપવામાં આવેલા નિવેદનમાં જણાવ્યું કે, યુનિવર્સિટીને દુઃખ છે કે, આવી ઘટના બની છે જેમાં સામાજિક વિખવાદ ઉશ્કેરવાની ક્ષમતા હોઈ શકે છે. યુનિવર્સિટી તે દરેક વિચારધારાની વિરોધમાં છે જે આપણી રાષ્ટ્રીય ઓળખ અને સંસ્કૃતિને ખરાબ કરે છે. ઉચ્ચ શિક્ષણ સંસ્થા તરીકે અમે સંસ્કૃતિના પુનરુત્થાનના મોટા મિશન માટે પ્રતિબદ્ધ છીએ જે આપણા ધર્મ, પરંપરા, ઈતિહાસ અને સંસ્કૃતિની શ્રેષ્ઠ ઉજવણી કરે છે જેણે માત્ર ભારતના વિચારને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં માનવ જ્ઞાનના તમામ પાસાઓને આકાર આપ્યો છે.

(8:09 pm IST)