Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

જો આપણે ધર્મથી ઉપર એકસાથે ઉભા થઇશું તો લાઉડસ્પીકર વિવાદ આપોઆપ ખતમ થશે: સોનુ સુદની નેતાઓને સલાહ

જ્યારે તમામ કોરોના દર્દીઓને ઑક્સિજનની જરૂરિયાત હતી, કોઈએ પણ ધર્મની ચિંતા ન કરી. કોરોનાના ખતરાએ આપણા દેશને એક કરી દીધો હતો. ધર્મથી ઉપર ઉઠીને આપણા સંબંધો અતૂટ બંધનમાં બંધાયા

મુંબઈ :દેશમાં હાલ લાઉડસ્પીકર અને હનુમાન ચાલીસા વિવાદ છવાયેલો છે. આ બન્ને મુદ્દાઓ પર મોટાપાયે રાજનીતિ થઇ રહી છે. બધા આ કંટ્રોવર્સી પર પોતાનો પક્ષ રાખી રહ્યા છે. હવે બૉલીવુડ એક્ટર સોનૂ સૂદે પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.

બૉલીવુડ એક્ટર સોનૂ સૂદે તમામ ભેગા રહેવાની અપીલ કરી છે. તેમણે પોતાની વાત રાખતા કોરોનાકાળનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, લાઉડસ્પીકર અને હનુમાન ચાલીસા વિવાદ પર દુઃખ છે અને જે પ્રકારે લોકો હવે એકબીજા વિરૂદ્ધ ઉભા થઇને ઝેર ઓકિં રહ્યા છે, તેને જોઈને દિલ તૂટે છે. ગત અઢી વર્ષોમાં આપણે સૌએ મળીને કોરોના વાયરસ સામે જંગ લડ્યા.

રાજકીય પક્ષોએ પણ ખભાથી ખભો મેળવીને આ મહામારીનો સામનો કર્યો. કોરોનાની પહેલી અને બીજી લહેરમાં, જ્યારે તમામ કોરોના દર્દીઓને ઑક્સિજનની જરૂરિયાત હતી, કોઈએ પણ ધર્મની ચિંતા ન કરી. કોરોનાના ખતરાએ આપણા દેશને એક કરી દીધો હતો. ધર્મથી ઉપર ઉઠીને આપણા સંબંધો અતૂટ બંધનમાં બંધાયા હતા.

સોનૂ સૂદે તમામ રાજકીય પાર્ટીઓને અપીલ કરતા કહ્યું કે, આ તે સમય છે જ્યારે આપણે શ્રેષ્ઠ ભારત માટે સાથે આવવું પડશે. આપણે ધર્મ અને જાતિની દિવાલ તોડવી પડશે. જેથી આપણે માનવીય આધારે યોગદાન આપી શકીએ. જો આપણે ધર્મથી ઉપર એકસાથે ઉભા થઇશું તો લાઉડસ્પીકર વિવાદ આપોઆપ ખતમ થઇ જશે. માનવતા, ભાઈચારો સમાજમાં ગુંજશે. સોનૂ સૂદે આ નિવેદન પુણેમાં JITO Connect 2022 સમિટમાં આપ્યું.

 

(9:23 pm IST)