Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

કોલસા કૌભાંડ કેસ: મમતા બેનર્જીના ભત્રીજાની પત્ની વિરુદ્ધ વોરન્ટ જારી:પૂછપરછમાં હાજર ન થતા કોર્ટનું આકરું વલણ

મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સ્નિગ્ધા સરવરિયાએ EDની અરજી પર આ આદેશ જારી કર્યો

 
 
નવી દિલ્હી : દિલ્હીની એક અદાલતે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીના પત્ની રુજીરા બેનર્જીની સામે જામીનપાત્ર વોરંટ બહાર પાડ્યું છે. ED દ્વારા વારંવાર સમન્સ પાઠવવા છતાં તપાસમાં સામેલ ન થયા બાદ રુજીરાની સામે વોરંટ બહાર પાડવામાં આવ્યું છે. કોલસાની દાણચોરીના કેસમાં ED તેમની સામે મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે.
મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સ્નિગ્ધા સરવરિયાએ EDની અરજી પર આ આદેશ જારી કર્યો છે. અગાઉ એજન્સીના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર નિતેશ રાણાએ કોર્ટને જણાવ્યું હતું કે, આરોપી વિરુદ્ધ અનેક સમન્સ જારી કરવામાં આવ્યા હોવા છતાં તે કોર્ટ અથવા તપાસ એજન્સી સમક્ષ હાજર થઈ રહી નથી. અદાલતે આ કેસ અંગે આગામી સુનાવણી માટે તારીખ 20 ઓગષ્ટ નક્કી કરી છે.
EDએ સીબીઆઈ દ્વારા નવેમ્બર 2020માં નોંધાયેલી એફઆઈઆરના આધાર પર પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો હતો. સીબીઆઈએ રાજ્યના કુનુસ્તોરિયા અને કાજોરા વિસ્તારોમાં તથા આસનસોલના નજીકના ઈસ્ટર્ન કોલફીલ્ડસ લિમિટેડની ખાણો સાથે સબંધિત કરોડો રૂપિયાના કથિત કૌભાંડના સબંધે એફઆઈઆર નોંધી હતી.

EDએ અગાઉ દાવો કર્યો હતો કે, અભિષેક બેનર્જી આ ગેરકાયદેસર ધંધામાંથી મળેલા ભંડોળના લાભાર્થી હતા. જો કે તેણે તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.

કોલકાતા અને ઝારખંડમાં 5500 કરોડથી વધુના કોલસાના કૌભાંડ સાથે સબંધિત મની લોન્ડરિંગના કેસમાં EDએ 21 માર્ચે અભિષેક બેનર્જીની લગભગ 8 કલાક સુધી પૂછપરછ કરી હતી. 22 માર્ચે તેમની પત્ની રુજીરા બેનર્જીને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી પરંતુ તેઓ પહોંચી શક્યા ન હતા.

 

(9:47 pm IST)