Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

AAP ધારાસભ્ય જસવંત સિંહના નિવાસસ્થાને CBIના દરોડા: 40 કરોડની બેંક છેતરપિંડી મામલે કાર્યવાહી

સીબીઆઈની ટીમે પંજાબના મલેરકોટલા સહિત ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા: 16.57 લાખ રૂપિયા રોકડા, 88 વિદેશી ચલણી નોટો, કેટલીક મિલકતોના દસ્તાવેજો તેમજ ઘણા બેંક ખાતાઓ સાથે સંબંધિત દસ્તાવેજો મળ્યા

પંજાબમાં આમ આદમી પાર્ટીની ભગવંત માનની પ્રથમવાર સરકાર બની છે. આ સ્થિતિ વચ્ચે આપના એક ધારાસભ્ય બેંક કૌભાંડના મામલે સીબીઆઈના રડારમાં આવ્યા છે. બેંક ફ્રોડ કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) એક્શનમાં આવી ગયું છે. સીબીઆઈએ પંજાબના ધારાસભ્ય જસવંત સિંહના ઘર પર દરોડા પાડ્યા હતા. જસવંત સિંહ પંજાબની અમરગઢ વિધાનસભા બેઠક પરથી સત્તાધારી પક્ષ આપના ધારાસભ્ય છેઅત્રે ઉલ્લેખનીય છે કે, બેંક ઓફ ઈન્ડિયાની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ સીબીઆઈની ટીમે ત્રણ જગ્યાએ દરોડા પાડ્યા છે. સીબીઆઈની ટીમે પંજાબના મલેરકોટલા સહિત ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. આશરે 40 કરોડના બેંક છેતરપિંડીના કેસમાં દરોડા દરમિયાન સીબીઆઈની ટીમને 16.57 લાખ રૂપિયા રોકડા, 88 વિદેશી ચલણી નોટો, કેટલીક મિલકતોના દસ્તાવેજો તેમજ ઘણા બેંક ખાતાઓ સાથે સંબંધિત દસ્તાવેજો મળ્યા હતા.

સીબીઆઈએ બેંક ઓફ ઈન્ડિયા, લુધિયાણાની ફરિયાદના આધારે પંજાબના માલેરકોટલા તાલુકામાં ગુન્સપુરા સ્થિત જસવંત સિંહ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. અમરગઢના ધારાસભ્ય સિંહ કંપનીમાં ડાયરેક્ટર અને ગેરેન્ટર હતા. સિંઘના ભાઈ બલવંત સિંહ, કુલવંત સિંહ અને ભત્રીજા તેજિન્દર સિંહ સહિત તમામ ડિરેક્ટરો અને બાંયધરી આપનારાઓ સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે, એમ અધિકારીઓએ જણાવ્યું છે.

(12:38 am IST)