Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

LICના IPO બાદ સરકાર અન્ય સામાન્ય વીમા કંપનીનું પણ ખાનગીકરણ કરી શકે

નીતિ આયોગ ખાનગીકરણ માટે યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સના નામની ભલામણ કરશે

નવી દિલ્હી : સરકારે LICનો આઈપીઓ પાર પાડ્યો છે. એલઆઈસીનું જાહેર ભરણું હાલ ખુલ્લું છે અને હવે સરકારની નજર વધુ એક જાહેર ક્ષેત્રની કંપની પર છે. સરકાર હવે ખાનગીકરણની રાહ માટે વીમા સેક્ટર તરફ નજર દોડાવી છે.

મીડિયા અહેવાલ અનુસાર લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન (LIC)ના આઈપીઓ બાદ સરકાર આ વર્ષે તેની અન્ય સામાન્ય વીમા કંપનીનું પણ ખાનગીકરણ કરી શકે છે. સરકાર જાહેર ક્ષેત્રની 3 સામાન્ય વીમા કંપનીઓ નેશનલ ઈન્શ્યોરન્સ કંપની, યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કો અને ઓરીએન્ટલ ઈન્ડિયા ઈન્શ્યોરન્સમાંથી કોઈપણ એકને ખાનગી હાથમાં વેચવાની તૈયારી કરી રહી છે.

નવા નાણાંકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરના પરિણામોની જાહેરાત બાદ આ ત્રણમાંથી કઈ કંપનીઓને વેચવામાં આવશે તેની ઓળખ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને ત્યાં સુધી LICનું બજાર પરફોર્મન્સ પણ સરકાર અને રોકાણકારોને સમજાઈ જશે.

આ યાદીમાં ટોચના સ્થાને યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કંપનીનું નામ ચર્ચાઈ રહ્યું છે. નાણાંકીય વર્ષ 2019-20માં યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સને રૂ. 1485 કરોડનું નુકસાન થયું હતું, પરંતુ વિવિધ ઈન્શ્યોરન્સ કેટેગરીમાં મજબૂત માર્કેટ શેર અને દેશભરમાં સારી પહોંચને ધ્યાનમાં લઈને યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સને સૌથી મજબૂત ઉમેદવાર માનવામાં આવે છે કે તે સરકારની ખાનગીકરણ માટેની પ્રથમ પસંદ હોઈ શકે છે. જોકે નાણાંકીય વર્ષ 2021માં કંપનીની ખોટ ઘટીને રૂ. 985 કરોડ થઈ ગઈ છે, જે આગામી નાણાકીય વર્ષ 2022માં વધુ ઘટવાની શક્યતા છે.

અપેક્ષા સેવાઈ રહી છે કે સરકારી થિંક ટેન્ક, નીતિ આયોગ ખાનગીકરણ માટે યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સના નામની ભલામણ કરશે. આ ભલામણ ડિસઇન્વેસ્ટમેન્ટ માટે રચાયેલા સચિવોના કોર ગ્રુપને મોકલવામાં આવશે. જોકે અહેવાલ અનુસાર સૂત્રોનું કહેવંડ છે કે આ ત્રણમાંથી કઈ કંપનીનું નામ ખાનગીકરણની ભલામણ માટે મોકલવામાં આવશે, તેની હજુ પુષ્ટિ થઈ નથી. મંત્રીઓનું એક જૂથ નક્કી કરશે કે આમાંથી કઈ કંપનીનું ખાનગીકરણ કરવામાં આવશે.

(12:44 am IST)