Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

કર્ણાટક ભાજપમાં ભંગાણનાં એંધાણ : કોંગ્રેસના મોટા નેતા અને ભાજપના સીનિયર નેતા એક બીજાના સંપર્કમાં હોવાની ચર્ચા

કોંગ્રેસના સિદ્ધારમૈયા અને ભાજપના બી.એસ યેદિયુરપ્પા નજીક આવતા ભાજપની ચિંતા વધી : 3 ઓગસ્ટનાં રોજ સિદ્ધારમૈયાનાં જન્મ દિવસનાં કાર્યક્રમમાં યેદિયુરપ્પા આપશે હાજરી

કર્ણાટક તા. 06. કર્ણાટકમાં ભાજપમાં ભંગાણ થવાના એંધાણ સામે આવ્યા છે. જેમાં કોંગ્રેસના મોટા નેતા સિદ્ધારમૈયા અને ભાજપના સીનિયર નેતા બીએસ યેદિયુરપ્પા એક બીજાના સંપર્કમાં હોવાથી ભાજપની ચિંતા વધી છે. 2021માં મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવ્યા બાદથી યેદિયુરપ્પા પાર્ટીના ટોચના નેતાઓથી નારાજ છે.

સિદ્ધારમૈયા આવતા 3 ઓગસ્ટનાં રોજ 75 વર્ષના થઇ રહ્યા છે. આ પ્રસંગે દાવણગેરે જિલ્લામાં સમર્થક સિદ્ધારમૈયા ઉત્સવ કરવા જઇ રહ્યા છે, જેમાં કદાવર ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા સામેલ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, 2021માં મુખ્યમંત્રી પદેથી હટાવવામાં આવ્યા બાદથી યેદિયુરપ્પા પાર્ટીના ટોચના નેતાઓથી નારાજ છે. તે ઇચ્છે છે કે, કોઇ ગેર લિંગાયત નેતા તેમનો ઉત્તરાધિકારી બને જેથી લિંગાયત વોટ બેન્ક તેમના પક્ષમાં રહે. પાર્ટીએ લિંગાયત સમુદાયમાંથી આવતા બસવરાજ બોમ્મઇને મુખ્યમંત્રી બનાવ્યા છે. યેદિયુરપ્પા ઇચ્છે છે કે તેમના પુત્ર બીવાઇ વિજયેન્દ્રને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવે.

ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ વિજયેન્દ્રને તબક્કાવાર રીતે વધારીને 2023ની ચૂંટણી લડાવવાના સંકેત આપ્યા છે. યેદિયુરપ્પાની તાકાતનો અંદાજો આ વાત પરથી લગાવી શકાય છે કે જ્યારે 2013માં તેમણે પાર્ટી છોડી હતી. ત્યારે ભાજપ 40 બેઠકમાં સમેટાઇ ગઇ હતી.

ઉલ્લેખનીય છે કે, બે મહિના પહેલા જ કર્ણાટક કોંગ્રેસની સેકન્ડ લીડરશિપે સિદ્ધારમૈયા અને કર્ણાટક કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ડી.કે શિવકુમાર વચ્ચે સમજૂતિ કરાવી હતી. પરંતુ હવે ફરી બન્ને નેતાઓમાં વર્ચસ્વની લડાઇના સંકેત જોવા મળી રહ્યા છે. સિદ્ધારમૈયા સિદ્ધારમૈયા ઉત્સવ મનાવવા જઇ રહ્યા છે જ્યારે શિવકુમારે 15 ઓગસ્ટથી તિરંગા યાત્રા કાઢવાની જાહેરાત કરી છે. જેમાં 10 લાખથી વધારે લોકોના ભેગા થવાની વાત કરી છે. 12 દિવસની અંદર થનારા બન્ને કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યુ છે.

તિરંગા યાત્રાની જાહેરાત બાદ શિવકુમારે સિદ્ધારમૈયા પર નિશાન સાધતા કહ્યુ કે કોંગ્રેસ જન નેતૃત્વમાં વિશ્વાસ કરે છે, ના કે વિશેષ પૂજામાં, તેમનો ઇશારો સિદ્ધારમૈયાને કર્ણાટક કોંગ્રેસના એકમાત્ર નેતા બનાવવાને લઇને હતો.

જ્યાર સુધી કર્ણાટકમાં હિજાબ વિવાદ શરૂ નહતો થયો ત્યાર સુધી બધુ બરાબર હતુ. કોંગ્રેસ સત્તા વિરોધી લહેર પર સવાર હતી, પછી અચાનક હિન્દૂત્વના મુદ્દાને કારણે બોલ ભાજપના પક્ષમાં જતી રહી હતી. એવામાં કોંગ્રેસના ટોચના નેતાઓ વચ્ચે ટકરાવ પાર્ટીને નબળી કરી શકે છે. પાંચ વખતના સાંસદ અને મજબૂત દલિત નેતા કેએચ મુનિયપ્પા પાર્ટી નેતાઓથી નારાજ છે કારણ કે સિદ્ધારમૈયાના સમર્થક કેઆર રમેશ કુમારે તેમના બે વિરોધીઓને પાર્ટીમાં સામેલ કરાવી લીધા છે. અટકળો છે કે તેમના વિરોધીઓને બહાર કરવામાં ના આવ્યા તો તે JDSમાં સામેલ થઇ શકે છે.

(8:57 pm IST)