Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

રાજસ્થાનની ગેહલોત સરકારનો સંવેદનશીલ નિર્ણય : કન્હૈયાલાલના બે સંતાનોને અપાશે સરકારી નોકરી

આ પહેલા 30 જૂને ઉદયપુર જઈને કન્હૈયાલાલને પરિવારને 51 લાખનો ચેક આપ્યો હતો: બંને પુત્રોને નોકરીને કેબિનેટની મંજૂરી

ઉદયપુર : રાજસ્થાનની ગેહલોત કેબિનેટે  ઉદયપુરની ઘટનામાં માર્યા ગયેલા કનૈયાલાલ તેલીના પુત્રો યશ અને તરુણ તેલીને સરકારી નોકરી આપવાનો સંવેદનશીલ નિર્ણય લીધો છે. ગેહલોત કેબિનેટની આજે મળેલી બેઠકમાં બન્ને સંતાનોને નોકરી આપવાની મંજૂરી આપવામાં આવી હતી.

બન્ને પુત્રોને રાજસ્થાન ગૌણ કચેરી કારકુની સેવા (સુધારા) નિયમો, 2008 અને 2009ના નિયમ 6સી હેઠળ નિયુક્ત કરવામાં આવશે. સરકારી નોકરી મળવાને કારણે તેમના પરિવારને મોટી રાહત મળશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા 30 જૂને ઉદયપુર જઈને કન્હૈયાલાલને પરિવારને 51 લાખનો ચેક આપ્યો હતો અને તેમણે બન્ને પુત્રોને નોકરી આપવાની પણ જાહેરાત કરી હતી. 

સીએમ ગેહલોતે ટ્વિટ કરીને કહ્યું કે કન્હૈયાલાલના હત્યારાઓને અમારી પોલીસે તે જ દિવસે ધરપકડ કરી હતી. હું પણ જોધપુરનો મારો બધો કાર્યક્રમ છોડીને જયપુર પાછો આ ભયાનક ઘટના પર સર્વદળીય બેઠક બોલાવવા માટે આવ્યો હતો, પરંતુ ભાજપના નેતાઓએ આ બેઠકને બદલે હૈદરાબાદમાં તેમની કારોબારીની બેઠકમાં જવાનું યોગ્ય માન્યું હતું. અમે હજી સુધી અમારી તપાસમાં કોઈ ઉણપ રાખી નથી.

(12:21 am IST)