Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

પ્રાઈમરી માર્કેટ ટાઢુંબોળઃ કંપનીઓમાં IPO લાવવાનો ઉત્‍સાહ ઠરી ગયો

હાલમાં ઈકોનોમી સામે જે પડકારો છે તેને ધ્‍યાનમાં રાખીને કંપનીઓ IPO લાવવા માટે બહુ ઉત્‍સાહિત નથી : કેલેન્‍ડર વર્ષ ૨૦૨૨ના પ્રથમ છ મહિનામાં IPO માર્કેટમાં જે ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો તે હવે બાકીના છ મહિનામાં જોવા નહીં મળે

મુંબઇ,તા. ૭ : કેલેન્‍ડર વર્ષ ૨૦૨૨ના પ્રથમ છ મહિનામાં IPO માર્કેટમાં જે ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો તે હવે બાકીના છ મહિનામાં જોવા નહીં મળે. બજારમાં ઘણા સમયથી વેચવાલીનું પ્રેશર છે જેમાં LIC જેવા મેગા IPOમાં પણ રોકાણકારોને ખોટ સહન કરવી પડી છે. અત્‍યારના સેન્‍ટીમેન્‍ટને ધ્‍યાનમાં રાખીને કંપનીઓ પ્રાઈમરી માર્કેટમાં આવવા માટે ઉત્‍સાહિત નથી. એક્‍સપર્ટ્‍સના જણાવ્‍યા પ્રમાણે જુલાઈથી ડિસેમ્‍બર ૨૦૨૨ દરમિયાન ઇક્‍વિટી માર્કેટ માટે નરમાઈનો ગાળો રહેશે જેથી પ્રાઈમરી માર્કેટમાં પણ ઓછી હલચલ થશે. હાલમાં ઈકોનોમી સામે જે પડકારો છે તેને ધ્‍યાનમાં રાખીને કંપનીઓ જોખમ લેવાનું ટાળશે.

કેલેન્‍ડર વર્ષ ૨૦૨૨ના પ્રથમ છ મહિનામાં કંપનીઓએ ૧.૦૧ લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા જયારે ગયા વર્ષમાં સમાન ગાળામાં ૧.૨૬ લાખ કરોડ રૂપિયા એકઠા કરવામાં આવ્‍યા હતા. તેમાં આઈપીઓ, ક્‍યુઆઈપી, રાઇટ્‍સ ઇશ્‍યૂ, InvITs, REITs અને પ્રેફરન્‍શિયલ એલોટમેન્‍ટનો સમાવેશ થાય છે.

૨૦૨૨ના પ્રથમ છ મહિનામાં IPO દ્વારા ૪૦,૩૧૧ કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્‍યા હતા, જયારે ૨૦૨૧ના પ્રથમ છ મહિનામાં ૨૭,૪૧૮ કરોડ રૂપિયા એકત્ર કરાયા હતા. પ્રેફરન્‍સિયલ એલોટમેન્‍ટથી ૪૫,૭૨૬ કરોડ એકઠા કરાયા હતા જયારે એક વર્ષ અગાઉના સમાન ગાળામાં ૩૬,૬૧૦ કરોડ એકઠા થયા હતા. આ વખતે સૌથી વધારે ચર્ચા LICના રૂ. ૨૧,૦૦૦ કરોડના ઈશ્‍યૂની થઈ હતી. આ ઉપરાંત અદાણી જૂથની ત્રણ કંપનીઓએ પ્રેફરન્‍શિયલ એલોટમેન્‍ટ દ્વારા રૂ. ૧૫,૪૦૦ કરોડ એકઠા કર્યા હતા. જોકે, QIP, રાઈટ્‍સ અને InvITs/REITs દ્વારા બહુ મોટી મૂડી એકઠી કરાઈ ન હતી.

ઇક્‍વિરસ કેપિટલના MD અને હેડ વેંકટરાઘવને જણાવ્‍યું કે IPOમાં ખાસ હલચલ નહીં થાય, ત્‍યારે બીજા સેક્‍ટરમાં વધારે રસ જોવા મળી શકે છે. અત્‍યારે બાયર્સ માર્કેટ છે તેથી વેલ્‍યૂએશનમાં ઘટાડો કરવો પડી શકે છે. આગામી સમયમાં ન્‍યૂ એજ સ્‍ટોક્‍સ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. એક્‍સપર્ટ્‍સે જણાવ્‍યું કે સપ્‍ટેમ્‍બર પછી કેટલાક સારા આઈપીઓ આવી શકે છે. ત્‍યાં સુધીમાં બજારમાં સ્‍થિરતા આવશે અને સેન્‍ટીમેન્‍ટમાં સુધારો થશે તેમ માનવામાં આવે છે.

તાજેતરમાં LICના મેગા આઈપીઓ આવ્‍યો ત્‍યારે તેના માટે મોટી અપેક્ષાઓ હતી પરંતુ લિસ્‍ટિંગના દિવસથી જ રોકાણકારોને નિરાશા મળી છે. એલઆઈસીના રૂ. ૯૪૯ના ઇશ્‍યૂ પ્રાઈસની સામે તાજેતરમાં શેર ઘટીને રૂ. ૬૫૦ સુધી જઈ આવ્‍યો હતો. BSE પર આજે એલઆઈસીનો શેર રૂ. ૭૦૨.૯૦ પર બંધ થયો હતો.

(11:17 am IST)