Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

અમરનાથ યાત્રાળુઓની સુરક્ષા માટે રોડબંધીથી પરેશાન કાશ્‍મીરવાસીઓ

સુરક્ષાના કારણોસર કલાકો સુધી બંધ કરાય છે રોડ

જમ્‍મુઃ છેલ્લા પાંચ દિવસથી શ્રીનગર નેશનલ હાઇવે સાથે જોડાયેલા ગામો પરેશાનીની સ્‍થિતીમાં છે. આ પરેશાની અમરનાથ યાત્રાળુઓ ઉપલબ્‍ધ કરાવાઇ રહેલી સુરક્ષાના નામે કરાઇ રહેલ બંદોબસ્‍તના કારણે છે. રોચક વાત તો એ છે કે શ્રધ્‍ધાળુઓને બાલતાલ અને પહેલગામ સુધી મુકીને પાછી આવતી ખાલી બસો પણ જયારે જમ્‍મુ બેઝ કેમ્‍પમાં આવે છે ત્‍યારે પણ આ ગામના લોકોને રોડબંધીના નામે કલાકો ઉભા રહેવુ પડે છે.

ખરેખર તો સુરક્ષાદળો કોઇ જોખમ લેવા નથી માંગતા. ગયા વખત કરતા ચાર ગણા સુરક્ષાકર્મીઓ તહેનાત હોવા છતા નેશનલ હાઇવે સાથે જોડાતા લીંક રોડ પર વાહનો અને માણસોની અવરજવરને જોખમી એટલે ગણે છે કે ગુપ્‍તચર રિર્પોટો આવુ કરી રહ્યા છે. પુલવામામાં થયેલ હુમલો પણ આવી જ એક વિસ્‍ફોટકો ભરેલી કાર દ્વારા થયો હતો જે લીંક રોડથી આવીને કાફલામાં ઘૂસી હતી.

પરિણામે સવારે ૪ વાગ્‍યે જયારે અમરનાથ યાત્રીઓનો જથ્‍થો જમ્‍મુથી રવાના થાય છે ત્‍યારથી ૮ વાગ્‍યા સુધી નેશનલ હાઇવે સામાન્‍ય નાગરિક કે વાહનોને ચાલવાની પરવાનગી નથી અપાતી. પગપાળા ચાલવાની પણ મનાઇ છે.

સૌથી ખરાબ સ્‍થિતી અનંતનાગના બજારોની છે જયાં રોડ બંધીને કારણે દુકાનોને ફકત થોડા કલાક ખોલવાની પરવાનગી છે. કાશ્‍મીરમાં સામાન લઇને અવરજવર કરતા વાહનોને છેલ્લા પાંચ દિવસથી નેશનલ હાઇવે પર જ રોકી દેવાયા છે. જેથી અમરનાથ યાત્રા સુરક્ષિત રહે. બાકીની પ્રજા જાય તેલ લેવા.

(4:18 pm IST)