Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

નોટબંધીના ૬ વર્ષ બાદ દિલ્‍હીમાં મળી ૬૨ લાખની જૂની નોટોઃ ૧૪ લાખની અસલી નોટો સાથે થઈ હતી ડીલ

નવી દિલ્‍હી, તા.૭: નોટબંધીને ૬ વર્ષ થઈ ગયા છે. હવે લોકોને જૂની નોટો યાદ પણ નહીં હોય, પરંતુ દિલ્‍હીમાં એક વ્‍યક્‍તિ ૬૨ લાખ રૂપિયાની જૂની નોટો સાથે ઝડપાયો છે. મામલો લક્ષ્મીનગર વિસ્‍તારનો છે. દિલ્‍હી પોલીસે જણાવ્‍યું કે બે લોકો પાસેથી જૂની ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટોના ઘણા બંડલ મળી આવ્‍યા છે. જ્‍યારે એક પછી એક નોટોની ગણતરી કરવામાં આવી તો જાણવા મળ્‍યું કે તે કુલ ૬૨ લાખ રૂપિયા છે. પોલીસની પૂછપરછ દરમિયાન જાણવા મળ્‍યું હતું કે આ બંનેએ ૧૪ લાખની નવી ચલણી નોટો આપીને આ જૂની ચલણી નોટો ખરીદી હતી.

આ લોકો જૂની નોટોનું શું કરવા માગતા હતા અને આટલી જૂની નોટો કોણ રાખતું હતું તે હજુ સ્‍પષ્ટ થયું નથી. હા, નોટબંધી પછી લોકોને તેમની જૂની નોટો બદલવાની સંપૂર્ણ તક આપવામાં આવી હતી. જો કે, એવું માનવામાં આવતું હતું કે જેમની પાસે કાળું નાણું છે તેઓ તેમના પૈસા ગુમાવશે કારણ કે તેઓ પકડાઈ જવાના ડરથી તે પૈસા લઈને બેંકમાં જતા નથી. આ કેસમાં પણ બ્‍લેક મનીનો એંગલ છે કે કેમ તે તપાસ બાદ જ ખબર પડશે.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્‍યું છે કે આ લોકોએ ઘણી જગ્‍યાએથી જૂની નોટો એકઠી કરી હતી અને લગભગ ૨૦ લાખ રૂપિયામાં આ જૂની નોટો અન્‍ય કોઈને વેચવાના હતા. સોશિયલ મીડિયામાં આ સમાચાર ફેલાતાની સાથે જ લોકોએ સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું કે જૂની નોટો હજુ પણ પાછલા દરવાજાથી બહાર આવી રહી છે. કેટલાક લોકોએ મીમ્‍સ પણ શેર કર્યા છે. એક યુઝરે લખ્‍યું, કેટલાક સ્‍માર્ટ લોકો મોટી ગેમ રમી રહ્યા છે.કોંગ્રેસના દિગ્‍ગજ નેતા મલ્લિકાર્જુન ખડગેએ આ સમાચાર શેર કરતી વખતે મજાક ઉડાવી હતી કે જો કે ૯૯.૯ ટકા જૂની નોટો બેંકોમાં પાછી આવી ગઈ છે, બાકીની ૦.૧ ટકા હજુ પણ બજારમાં ફરે છે. તેમણે માંગણી કરી હતી કે આ ચલણી નોટો હજુ પણ બદલવામાં આવી રહી છે કે કેમ અને આ રેકેટમાં સરકારમાં કોણ સામેલ છે તેની તપાસ થવી જોઈએ.

(4:33 pm IST)