Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

થાણાના ૬૬ કોર્પોરેટર્સનું એકનાથ શિંદેને સમર્થન

BMC ચૂંટણી પહેલા ઉધ્‍ધવ ઠાકરેને જબરદસ્‍ત મોટો ઝટકો

મુંબઇ, તા.૭: મહારાષ્‍ટ્રમાં પૂર્વ મુખ્‍યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની મુશ્‍કેલીઓ ઓછી થઈ રહી નથી. પાર્ટીના બળવાખોર ધારાસભ્‍ય અને મુખ્‍યમંત્રી એકનાથ શિંદએ તેમને વધુ એક મોટો ઝટકો આપ્‍યો છે. થાણાના ૬૬ નગરસેવક શિંદે જૂથમાં જોડાઈ ગયા છે. આગામી નગર નિગમની ચૂંટણી પહેલા ૬૬ કોર્પોરેટ્‍સનું શિંદેનું સમર્થન કરવું એ શિવસેના માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે.

થાણા નગર નિગમમાં શિવસેના છેલ્લા કેટલાય દાયકાઓથી સત્તામાં છે. થાણા એકનાથ શિંદેનો ગઢ ગણાય છે. મેયર નરેશ મ્‍હસ્‍કે સાથે નગરસેવકોએ એકનાથ શિંદેની મુલાકાત કરી.

શિવસેનાના એક સાંસદ દ્વારા પાર્ટી અધ્‍યક્ષ ઉદ્ધવ ઠાકરેને રાષ્‍ટ્રપતિ પદ માટે એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને સમર્થનની જાહેરાતનો આગ્રહ કરાયા બાદ પાર્ટીના એક બળવાખોર ધારાસભ્‍યે દાવો કર્યો છે કે ૧૮ સાંસદોમાંથી ૧૨ જલદી એકનાથ શિંદે જૂથમાં સામેલ થઈ જશે.

જળગાંવ જિલ્લામાં પોતાના મતવિસ્‍તારમાં પત્રકારો સાથે વાતચીત કરતા ધારાસભ્‍ય ગુલાબરાવ પાટિલે કહ્યું કે શિંદે જૂથ પાર્ટીનું ગૌરવ પાછું લાવશે. પાટિલ ઉદ્ધવ સરકારમાં મંત્રી રહી ચૂકયા છે. તેમણે કહ્યું કે અમારી પાસે ૫૫માંથી ૪૦ ધારાસભ્‍યો છે અને ૧૮માંથી ૧૨ સાંસદો અમારી પાસે આવી રહ્યા છે. તો પછી પાર્ટી કોની થઈ? મે ચાર સાંસદો સાથે વ્‍યક્‍તિગત રીતે મુલાકાત કરી છે. અમારી સાથે ૨૨ પૂર્વ ધારાસભ્‍ય પણ છે.

શિવસેનાના લોકસભા સભ્‍ય રાહુલ શેવાલેએ મંગળવારે ઉદ્ધવ ઠાકરેને આગ્રહ કર્યો કે તેઓ પાર્ટીના સાંસદોને રાષ્‍ટ્રપતિ પદના એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂનું સમર્થન કરવા માટે કહે. કારણ કે મુર્મૂ આદિવાસી છે અને સમાજમાં તેમનું મહત્‍વનું યોગદાન છે. ઉદ્ધવ ઠાકરે જૂથ અને એકનાથ શિંદે જૂથના વિશ્વાસુઓએ પોત પોતાના સમૂહને અસલ શિવસેના હોવાનો દાવો કર્યો છે.

અત્રે જણાવવાનું કે ગણતરીના દિવસોમાં બીએમસીની ચૂંટણી છે. મતદારો પોત પોતાના વોર્ડમાંથી નગરસેવકોની પસંદગી કરશે જે નિગમના મેયર અને ડેપ્‍યુટી મેયરની ચૂંટણી માટે મતદાન કરશે. ચૂંટણીની તૈયારીઓ અગાઉથી થઈ રહી છે અને મહારાષ્‍ટ્ર ચૂંટણી પંચ જલદી તેની તારીખોની જાહેરાત પણ કરી શકે છે. બીએમસીની ચૂંટણી સામાન્‍ય રીતે એપ્રિલ-મે મહિનામાં થતી હોય છે પરંતુ આ વખતે ઓબીસી અનામત મુદ્દે ચૂંટણીમાં વિલંબ થયો. હવે ચોમાસા બાદ ચૂંટણી પંચ ચૂંટણી કરાવી શકે છે.

(4:38 pm IST)