Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

જમ્મુ-કાશ્મીર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગુલામ મીરનું રાજીનામું

કાશ્મીરમાં પણ કોંગ્રેસની વધુ કથડળતી સ્થિતિ : મીર ૭ વર્ષથી જમ્મુ-કાશ્મીર કોંગ્રેસના અધ્યક્ષ હતા

શ્રીનગર, તા.૭ : એક તરફ જ્યાં જમ્મુ-કાશ્મીરમાં ભાજપ સહિત અન્ય ક્ષેત્રીય પાર્ટીઓ સક્રીય થતી નજર આવી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ સમૂહની ખબરો સતત સામે આવી રહી હતી. હવે આ ઘમાસાણ વચ્ચે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગુલામ અહમદ મીરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મીર ૭ વર્ષથી જમ્મુ-કાશ્મીર કોંગ્રેસના અધ્યક્ષ હતા. વર્ષ ૨૦૧૫માં તેમને પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. મીરે રાજીનામું આપવાનું કારણ પણ જણાવ્યું છે.

ગુલામ અહમદ મીરે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલેલા પોતાના રાજીનામામાં જણાવ્યું કે, શિસ્તબદ્ધ સૈનિક તરીકે તેમને ઉત્તરાધિકારી માટે પાર્ટી અધ્યક્ષ દ્વારા લેવામાં આવેલા કોઈ પણ નિર્ણય સ્વીકાર્ય હશે. જોકે, કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે, અહમદ મીરને પાર્ટી તરફથી જ પદ છોડવા માટે કહેવામાં આવ્યું હતું. જ્યારે અહમદ મીરનું કહેવું છે કે, તેમણે ચૂંટણી પહેલા પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે જેથી પાર્ટી પોતાના સંગઠનને ફરીથી સ્થાપિત કરી શકે.

આ અગાઉ તાજેતરમાં જ કોંગ્રેસે જમ્મુ કાશ્મીરમાં શક્તિ સંતુલન જાળવી રાખવા માટે જમ્મુથી વરિષ્ઠ નેતા રમન ભલ્લાની કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. હવે નવા અધ્યક્ષ માટે નવા નામ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. તેના માટે પૂર્વ મંત્રીઓ અને ધારાસભ્યો પીરજાદા મોહમ્મદ સઈદ, વિકાર રસૂલ, જીએમ સરૃરી અને ગુલાબ નબી મોંગાના નામ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. સઈદ અગાઉ પણ અધ્યક્ષ રહી ચૂક્યા છે.

જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ લાંબા સમયથી જૂથબાજીનો સામનો કરી રહી છે. તેમાં એક ગ્રુપ ગુલામ નબી આઝાદ પ્રત્યે નિષ્ઠા રાખે છે. આઝાદ ગ્રુપના અનેક નેતાઓએ ગયા વર્ષે જમ્મુ-કાશ્મીરમાં નેતૃત્વમાં બદલાવની પોતાની માગના સમર્થનમાં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. એવું માનવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસ હાઈકમાન્ડ મતભેદો દૂર કરવા માટે જમ્મુ-કાશ્મીરમાં નેતૃત્વના સંપર્કમાં છે. કોંગ્રેસ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પણ કરી રહી છે.

છેલ્લા દિવસોમાં આઝાદ સમૂહના કેટલાક નેતાઓ દ્વારા પદ પરથી રાજીનામા આપ્યા બાદ હાઈકમાને બે કામ કર્યા હતા. એક તો નેતાઓના ત્યાગ પત્ર મંજૂર કરી લીધા હતા અને બીજુ પાર્ટીના વરિષ્ઠ નેતા રમણ ભલ્લાને કાર્યકારી અધ્યક્ષ બનાવી દીધા હતા.

 

(7:52 pm IST)