Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

સ્મૃતિ અને જ્યોતિરાદિત્યને વધારાની જવાબદારી સોંપાઈ

સ્મૃતિ ઈરાનીને લઘુમતી બાબતોના મંત્રાલયનો પ્રભાર : જ્યોતિરાદિત્ય સિંધિયાને તેમના વર્તમાન પોર્ટફોલિયો ઉપરાંત સ્ટીલ મંત્રાલયનો પ્રભાર પ્રભાર સોંપવામાં આવ્યો

નવી દિલ્હી, તા.૭ : કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી તથા રામ ચંદ્ર પ્રસાદ સિંહે મોદી મંત્રીમંડળમાંથી રાજીનામુ આપી દીધું હતું. ત્યારે હવે તેમના મંત્રાલયનો પ્રભાર પણ વહેંચી દેવામાં આવ્યો છે. મુખ્તાર અબ્બાસ નકવીના રાજીનામા બાદ સ્મૃતિ ઈરાનીને તેમના વર્તમાન પોર્ટફોલિયો ઉપરાંત લઘુમતી બાબતોના મંત્રાલયનો પ્રભાર સોંપવામાં આવ્યો છે.  આ સાથે જ જ્યોતિરાદિત્ય સિંધિયાને તેમના વર્તમાન પોર્ટફોલિયો ઉપરાંત સ્ટીલ મંત્રાલયનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. અત્યાર સુધી આરસીપી સિંહ સ્ટીલ મંત્રાલયની જવાબદારી સંભાળી રહ્યા હતા.  કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીને અમેઠીની લોકસભા બેઠક પર હરાવીને સંસદમાં પહોંચ્યા હતા. જ્યારે નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા મધ્ય પ્રદેશથી ભાજપના રાજ્યસભા સાંસદ છે.

 

(7:54 pm IST)