Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

લાંચ કેસમાં સીબીઆઈએ છ અધિકારીની ધરપકડ કરી

પાવર ગ્રીડ કોર્પોરેશન અને ટાટા પ્રોજેક્ટ લાંચ કેસ : સીબીઆઇએ આ લાંચ કેસમાં દિલ્હી, ગુરુગ્રામ, નોઇડા અને ગાઝિયાબાદમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું

નવી દિલ્હી, તા.૭ : કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇ એ પાવર ગ્રીડ કોર્પોરેશન અને ટાટા પ્રોજેક્ટને સંડોવતા લાંચ કેસમાં મોટી કાર્યવાહી કરતા કુલ ૬ સિનિયર અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઇએ આ કેસમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી.એસ. ઝા અને ટાટા પ્રોજેક્ટના ૫ અધિકારીઓની ધરપકડ કરી છે.

આ કેસ ભારત સરકારની માલિકીની વિજ કંપની પાવર ગ્રીડના લાંચ સંબંધિત છે. આ કેસમાં સંડોવાયેલા અધિકારીઓની સીબીઆઇ દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાનું સીબીઆઇના સુત્રોએ જણાવ્યુ છે.

સીબીઆઇના સુત્રોના જણાવ્યા અનુસાર ટાટા પ્રોજેક્ટના ૫ સિનિયર અધિકારીઓ જેમાં કંપનીના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરમેન દેશરાજ પાઠક અને આસિસ્ટન્ટ વાઇસ ચેરમેન આર.એન. સિંહ સામેલ છે. સીબીઆઇએ આ લાંચ કેસમાં દિલ્હી, ગુરુગ્રામ, નોઇડા અને ગાઝિયાબાદમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ.

સુત્રોના જણાવ્યા અનુસાર ઝા અને ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડના અન્ય પાંચ અધિકારીઓની સીબીઆઈ દ્વારા નોર્થ ઈસ્ટર્ન રિજનલ પાવર સિસ્ટમ ઈમ્પ્રૂવમેન્ટ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

તપાસ એજન્સી દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ દરમિયાન, પાવર ગ્રીડ કોર્પોરેશન કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી.એસ. ઝાના પરિસરમાંથી ૯૩ લાખ રૃપિયા જપ્તા કરવામાં આવ્યા છે.

 

(7:56 pm IST)