Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

ફિલ્મ 'કાલી'ના વિવાદાસ્પદ પોસ્ટર મામલે મધ્યપ્રદેશ સાયબર ઈન્ટેલિજન્સ અને સાયબર ક્રાઈમ પોલીસે ટ્વિટર લીગલ ડિપાર્ટમેન્ટને રજૂઆત કરી !

ટ્વિટરને 36 કલાકની અંદર વિવાદાસ્પદ પોસ્ટરને હટાવવા વિનંતી કરાઈ : ફિલ્મ નિર્માતા ભોપાલ પોલીસે લુકઆઉટ સર્ક્યુલરનો આદેશ આપ્યો

નવી દિલ્લી તા.07 : દસ્તાવેજી ફિલ્મ 'કાલી'ના વિવાદાસ્પદ પોસ્ટર સામે દેશભરમાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. અને સમગ્ર મામલે ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈ વિરુધ્ધ મધ્યપ્રદેશમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. તેમજ મધ્યપ્રદેશ સાયબર ઈન્ટેલિજન્સ અને સાયબર ક્રાઈમ પોલીસે ટ્વિટરને 36 કલાકની અંદર ટ્વીટ હટાવવા માટે વિનંતી કરી છે.

દસ્તાવેજી ફિલ્મ 'કાલી'ના વિવાદાસ્પદ પોસ્ટરને લઈ મધ્યપ્રદેશ સાયબર ઈન્ટેલિજન્સ અને સાયબર ક્રાઈમ પોલીસે ટ્વિટરનાં લીગલ ડિપાર્ટમેન્ટને ટેગ કરી લખ્યું છે કે, ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈના ટ્વિટર હેન્ડલ પર કરવામાં આવેલી પોસ્ટ IPC કલમ 295A હેઠળ ગેરકાયદેસર છે, જેના માટે FIR દાખલ કરવામાં આવી છે. તેમજ ટ્વિટરને 36 કલાકની અંદર ટ્વીટ હટાવવા માટે વિનંતી કરવામાં આવી છે.

ભોપાલ પોલીસે રાજ્યના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાના નિર્દેશ પર ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલરનો આદેશ આપ્યો છે. લુક આઉટ નોટિસની અરજી કેન્દ્ર સરકારને મોકલવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, વિવાદિત પોસ્ટરને લઈને રાજ્યના રતલામ જિલ્લામાં ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. વાસ્તવમાં, પ્રશાંત નામના વ્યક્તિએ તેમના પર આરોપ લગાવ્યો છે કે, સોશિયલ મીડિયા પર એક પોસ્ટર શેર કરવામાં આવી રહ્યું છે, જેમાં દેવી કાલી સિગારેટ પીતી બતાવવામાં આવી છે. તેનાથી લોકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. આ મામલામાં પોલીસે લીના વિરુદ્ધ થાણા સ્ટેશન રોડ રતલામમાં આઈપીસીની કલમ 153A અને 295A, 504 હેઠળ કેસ નોંધ્યો છે.

ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા નોંધાયેલ IPCની કલમ 153A ધર્મ, જાતિ વગેરેના આધારે અલગ-અલગ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા અને સામાજિક સમરસતાને ખલેલ પહોંચાડવાનું કામ કરવા સાથે સંબંધિત છે. જ્યાં 295A ધાર્મિક લાગણીઓને ભડકાવવા અને ધાર્મિક માન્યતાઓનું અપમાન કરવા ઇરાદાપૂર્વક કરવામાં આવેલા કૃત્ય સાથે સંબંધિત છે. આ સાથે કલમ 504 હેઠળ જે કોઈ પણ વ્યક્તિ ઈરાદાપૂર્વક તેને ઉશ્કેરવાના ઈરાદાથી તેનું અપમાન કરે છે. આ દરમિયાન લીના વિરુદ્ધ રતલામ પોલીસે કેસ નોંધ્યો છે. આ સાથે જ મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લુકઆઉટ સર્ક્યુલરને લુકઆઉટ નોટિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અધિકારીઓ દ્વારા તે સુનિશ્ચિત કરવા માટે જારી કરવામાં આવે છે કે ફોજદારી કેસમાં નામ આપવામાં આવેલ વ્યક્તિ દેશ છોડીને ભાગી ન જાય. જ્યારે કોઈ વ્યક્તિ ફરાર હોય અથવા તેની સામે નોંધાયેલા કોઈ ચોક્કસ કેસમાં દેશ છોડવાની યોજના બનાવી રહ્યા હોય ત્યારે તે જાહેર કરવામાં આવે છે.

(12:08 am IST)