Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

ટી -20માં ઈંગ્લેન્ડ સામે ભારતીય ટીમે 199 રનનુ રાખ્યું લક્ષ્ય : હાર્દિક પંડ્યાએ ફિફટી ફટકારી

પાવર પ્લેમાં જ બંને ઓપનરોની વિકેટ ગુમાવ્યા બાદ દીપક હૂડા અને સૂર્યકુમાર યાદવની જોરદાર ઇનિંગ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ ટી20 મેચની શ્રેણીની શરુઆત થઈ છે. સિરીઝની પ્રથમ મેચ સાઉથમ્પ્ટનમાં રમાઈ રહી છે. ભારતીય ટીમ આ મેદાન પર પ્રથમ વાર ટી20 મેચ રમવા ઉતર્યુ છે. રોહિત શર્માએ પ્રથમ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. પિચ સારી હોવાનુ કહીને તેણે પોતાની પ્રથમ બેટીંગ કરવાની યોજના દર્શાવી હતી. જોકે રોહિત શર્મા અને ઈશાન કિશનની જોડી લાંબો સમય ક્રિઝ પર રહી શકી નહોતી અને ભારતે પાવર પ્લેમાં જ બંને ઓપનરોની વિકેટ ગુમાવી દીધી હતી.

ભારતીય ઓપનીંગ જોડી લાંબો સમય સુધી ક્રિઝ પર જામી શકી નહોતી. જોકે કેપ્ટન રોહિત શર્માએ આક્રમક અંદાજ સાથે રમતની શરુઆત કરી હતી. તેણે 5 ચોગ્ગા સાથે 14 બોલમાં 24 રન ફટકાર્યા હતા. પરંતુ સળંગ બે બાઉન્ડરી બાદ આગળના બોલે મોઈન અલીએ ઈનીંગની ત્રીજી ઓવરમાં જ પોતાનો શિકાર બનાવી લીધો હતો. મોઈને રોહિતને પોતાની જાળમાં ફસાવતા વિકેટકીપર બટલરના હાથમાં તેનો કેચ પકડાવ્યો હતો. ઈશાન કિશન 10 બોલનો સામનો કરીને 8 રન નોંધાવીને ઝડપથી પરત ફર્યો હતો. આમ 46 રનના સ્કોર પર ભારતે બંને ઓપનરોની વિકેટ ગુમાવી દીધી હતી.

દીપક હૂડા અને સૂર્યકુમાર યાદવે બાદમાં સ્થિતી સંભાળી હતી અને બંનેએ ઓપનરોની વિકેટ ગુમાવ્યાનુ દબાણ સહેજ પર પોતાની પર આવવા દીધુ નહોતુ અને રોહિતે કરેલી શરુઆતને જાળવતા રન રેટ મુજબ સ્કોર બોર્ડને આગળ વધાર્યુ હતુ. જોકે બંને અડધી સદી સુધી પહોંચી શક્યા નહોતા. દીપક હુડા ત્રીજી વિકેટના રુપમાં 89 રનના સ્કોર પર વિકેટ ગુમાવી હતી. તે 17 બોલમાં 33 રન 2 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદ થી ફટકારીને પરત ફર્યો હતો. સૂર્યકુમાર યાદવે 19 બોલમાં 39 રન નોંધાવ્યા હતા. તેણે પણ 2 છગ્ગા જમાવ્યા હતા. હૂડા અને સૂર્યા બંનેને ક્રિસ જોર્ડને આઉટ કર્યા હતા.

(12:46 am IST)