Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

ગુજરાત કેડરના GC મુર્મુ ભારતના નવા CAG : મોદી સરકારના હિસાબો તપાસશે

લેફ્ટેનન્ટ ગવર્નર હતા ગિરિશચંદ્ર મુર્મુઃ પીએમ મોદી અને અમિત શાહના નજીકના અધિકારી છે

નવી દિલ્હી,તા.૭ : જમ્મુ અને કાશ્મીરના પૂર્વ લેફ્ટેનન્ટ ગવર્નર ગિરીશચંદ્ર મુર્મુને નવા કેગ બનાવાયા છે. જેની સત્ત્।ાવાર જાહેરાત કરવામાં આવી છે. જે દિવસે સરકારે તેમની CAG તરીકે વરણી કરી છે તેના બરાબર એક વર્ષ પહેલા સરકારે જમ્મુ કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજીત કર્યું હતું. મહત્વનું છે કે GC મુર્મુએ જમ્મુ કાશ્મીરના ઉપરાજયપાલ પદેથી રાજીનામું આપી દિલ્હી આવી ગયા હતાં. ત્યારથી જ ચર્ચા હતી કે તેમને રાજીવ મેહરિશી જેમનો CAGતરીકે કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો હતો તેમની જગ્યાએ નિમણૂક કરાશે. જેની આજે સત્ત્।ાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી.

હાલના સમયમાં જ ગિરિશચંદ્ર મુર્મુ કેન્દ્ર સાથે સ્પષ્ટ મતભેદને પગલે કેટલાક વિવાદોમાં સામેલ થયા છે. સૌથી નોંધપાત્ર રીતે, 4G ઇન્ટરનેટને ખીણમાં પુનઃસ્થાપિત કરવાની સૂચન કરતી તેમની ટિપ્પણીથી સુરક્ષા એજન્સીઓ સાથે સમસ્યા ઊભી થઈ હતી. ત્યારે હવે GC મુર્મુ નવા CAG બનાવાયા છે.

કોણ છે GC મુર્મુ?

ગિરિશચંદ્ર મુર્મુ ૧૯૮૫ની બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે જેમણે ગાંધીનગર તેમજ દિલ્હીમાં પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સાથે નજીકથી કામ કરેલું છે. જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશો, જમ્મુ અને કશ્મીર અને લદ્દાખમાં વિભાજીત થયા ત્યારે તેમને J&K કેન્દ્રશાસિત રાજયના પ્રથમ LG બનાવાયા હતાં. તે પહેલાં સમયે ખર્ચ સચિવ તરીકે કામ કરતા હતાં.

પૂર્વ ઉપરાજયપાલ GC મુર્મુએ રાષ્ટ્રપતિને રાજીનામું મોકલ્યું હતું.  જયાર બાદ ભારતીય જનતા પાર્ટીના નેતા મનોજ સિન્હાને જમ્મૂ કાશ્મીરના નવા ઉપરાજયપાલ બનાવાયા છે. ઉલ્લેખનીય છે કે ત્યારથી જ GC મુર્મુ નવા CAG બની શકે તેવી ચર્ચા થઈ રહી હતી.

કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાએ સરકારના ચીફ ઓડિટર હોય છે. આ પહેલા CAG રાફેલ ડીલ, કોલસાની જમીનનું વિતરણ, ટેલિકોમ સ્પેકટ્રમનું ડિસ્ટ્રીબ્યુશન, અલ્ટ્રા મેગા પાવર પ્રોજેકટ્સ અને દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પોતાના અહેવાલને લઇને ખૂબ ચર્ચામાં છે.

કેગ એ ભારતના બંધારણ દ્વારા સ્થાપિત એક ઓથોરિટી છે અને તે સરકારના પ્રભાવ ક્ષેત્રની બહાર છે. તેને સરકારની આવક અને ખર્ચ પર નજર રાખવા માટે બનાવવામાં આવી છે. દેશના રાષ્ટ્રપતિ દ્વારા CAGની  નિમણૂક કરવામાં આવે છે અને તેને પદથી હટાવવા હોય તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને જે રીતે પદ પરથી હટાવવાની પ્રક્રિયા કરવામાં આવે છે તે જ પ્રક્રિયા અનુસરવી પડે છે.

 તેમના પગાર અને સેવાઓ સંસદ દ્વારા નક્કી કરવામાં આવે છે અને નિમણૂક પછી તેને એવી રીતે બદલી શકાતી નથી કે જેનાથી નુકસાન થાય. કેગની ઓફિસનો વહીવટી ખર્ચ ભારતના કોન્સોલિડેટેડ ફંડમાંથી લેવામાં આવે છે.

  કેગ પોતાનો અહેવાલ સંસદની અને વિધાનસભાઓની અનેક સમિતિઓ જેમ કે પબ્લિક એકાઉન્ટસ કમિટી અને કમિટી ઓન પબ્લિક અન્ડર ટેકિંગ્સને આપે છે. આ સમિતિઓ અહેવાલની ચકાસણી કરે છે અને તેમાં તમામ પોલિસીનું પાલન કરવામાં આવ્યું છે કે કેમ તે નક્કી કરે છે.

 તે પણ જુએ છે કે કોઈ સરકારી સંસ્થા દ્વારા કોઈ ગેરરીતિ થઈ છે કે નહીં. ત્યારબાદ આ બાબતને સંસદમાં ચર્ચા માટે રજૂ કરવામાં આવે છે અને તેના પર કાર્યવાહી કરવામાં આવે છે. નિષ્ણાતોના મતે તેમની મુખ્ય ભૂમિકા કેન્દ્ર અને રાજયના તમામ સરકારી વિભાગો અને કચેરીઓના ખાતાઓનું ઓડિટ અને તપાસ કરવાની છે.

 આ વિભાગો અને કચેરીઓમાં રેલ્વે, પોસ્ટ અને ટેલિકોમનો પણ સમાવેશ થાય છે. કેગ સરકારની પોતાની કંપનીઓ અથવા સરકાર દ્વારા ફાઇનાન્સ કરાયેલી કંપનીઓના ખાતાઓની પણ ચકાસણી કરે છે.

 કેન્દ્ર અને રાજય સરકાર હસ્તક આશરે ૧,૫૦૦ પબ્લિક કોમર્શીયલ કંપનીઓ અને ૪૦૦ જેટલી નોન કોમર્શ્ય્લ બોડીઝ અને ઓથોરિટીઝ આવે છે. યુનિયન અને સ્ટેટ રેવન્યુ તરફથી ફાઈનાન્સ મેળવતી ૪૪૦૦ ઓથોરિટી અને બોડી કેગના અન્ડરમાં આવે છે.

 કેગના ઓડિટને બે કેટેગરીમાં વહેંચવામાં આવ્યું છે - રેગ્યુલેટરી ઓડિટ અને પરફોર્મન્સ ઓડિટ. રેગ્યુલેટરી ઓડિટ (જેને કમ્પ્લાયન્સ ઓડિટ પણ કહેવામાં આવે છે), તેમાં ફાઈનાન્શ્યલ સ્ટેટમેન્ટસનું એનાલિસિસ કરવામાં આવે છે અને એવું ચકાસવામાં આવે છે કે તમામ નિયમો અને કાયદાઓનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં. પરફોર્મન્સ ઓડિટમાં કેગ તપાસ કરે છે કે સરકારી યોજના શરૂ કરવાનો ઉદ્દેશ ઓછામાં ઓછો ખર્ચ કરીને પૂરો થયો છે કે નહીં

(11:13 am IST)