Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

આમ આદમી - કંપનીઓ માટે લોન રી-સ્ટ્રકચરીંગ સ્કીમ

એરલાઇન્સ, કંપનીઓ, હોટલ અને સ્ટીલ તથા સિમેન્ટ કંપનીઓ લોન રીસ્ટ્રકચર કરી શકશેઃ આ સ્કીમ સરકારના ઇન્સોલ્વન્સી કોડને થોડા સમય માટે અભેરાયે ચડાવી દેશે

મુંબઇ તા. ૭ : ૨૦૦૮ના નાણાકીય સંકટ બાદ પહેલીવાર ભારતીય રિઝર્વ બેંકે એવી જાહેરાત કરી છે કે તે કંપનીઓથી લઇને આમ જનતા માટે લોન રીસ્ટ્રકચરની સુવિધા લાવશે. આ થકી એરલાઇન્સ કંપનીઓ, હોટલ અને સ્ટીલ તથા સિમેન્ટ કંપનીઓ પોતાની લોન રીસ્ટ્રકચર કરી શકશે. કે જે કોરોનાને કારણે નુકસાનીનો સામનો કરી રહી છે. રિઝર્વ બેંક અત્યાર સતત એવા પ્રયાસો કરી રહ્યું છે કે, છેલ્લા ૧૦૦ વર્ષમાં આવેલી આ સૌથી મોટી કટોકટીમાં લોકોને મદદ થઇ શકે.

લોન રીસ્ટ્રકચર કરવાની આ સ્કીમ સરકારના ઇન્સોલ્વન્સી અને બેંક રફસી કોડને થોડા સમય માટે કોલ્ડ સ્ટોરેજમાં નાખી દેશે. અમુક બિઝનેસ જેમ કે હોટલ, એરલાઇન્સ અને ફેકટરીઓ હાલ કાંતો બંધ થઇ છે અથવા તો પોતાની ક્ષમતા કરતા ઓછું ઉત્પાદન કરી રહી છે. આનું કારણ સ્વાસ્થ્યને ઠીકઠાક રાખવા માટે સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન કરવાનું છે અને સાથે જ ઓછી ડીમાન્ડનું પણ છે. આ બધાના કારણે અનેક લોકોની નોકરીઓ જઇ રહી છે. જેના કારણે વેપાર ધંધાને લાંબા સમય માટે નુકસાન થઇ શકે છે. રિઝર્વ બેંકના ગવર્નર શકિતકાંત દાસે આ બાબતનો ઉલ્લેખ કરતા લોન રીસ્ટ્રકચરની સુવિધા આપવાનો નિર્ણય લીધો છે. કે જેથી લોનની ચૂકવણી કરવામાં સારો રેકોર્ડ રાખનાર આ કંપનીઓ જેવી હતી તેવી જ રહી શકે.

 રિઝર્વ બેંકે નિયમ બનાવ્યો છે કે બેંક લોન રિસ્ટ્રકચર થયેલ રકમના ૧૦% અલગ રાખે. આનાથી ભવિષ્યમાં કોઇ નુકસાન થવાની સ્થિતિ સામે નિપટી શકાય. આ પગલા બાદ સરકારે તમામ જાહેર ક્ષેત્રની બેંકોને કેપીટલ આપવી પડશે. આ સ્કીમની વિગત પર નિષ્ણાંતોની પેનલ કામ કરશે.

હોમ લોન લેનાર લોકો જેમણે રિઝર્વ બેંકના મોરેટોરીયમનો લાભ લીધો છે અને તેની મુદ્દત ૩૧ ઓગસ્ટે પૂરી થઇ રહી છે તેઓએ પોતાની બેંક કે હાઉસ ફાઇન્સીંગ કંપની તરફથી લોન રીસ્ટ્રકચર સ્કીમની જાહેરાત સુધી રાહ જોવી પડશે. એવું માનવામાં આવે છે કે રીસ્ટ્રકચરીંગ હેઠળ શરૂઆતના વર્ષોમાં ઓછો હપ્તો ભરવો પડશે. રિઝર્વ બેંકની સ્કીમ લોન લેનારાને મોરેટીયમની સુવિધાને વધુ આગળ વધારવાનો વિકલ્પ પણ આપશે. માત્ર એક જ શરત રહેશે કે લોનની સમય સીમાને બે વર્ષથી વધુ વધારવામાં ન આવે. જે લોકો ડીફોલ્ટર હોય તેઓને આનો ફાયદો નહિ મળે.

(11:23 am IST)