Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

રામ મંદિરના ભૂમિપૂજન બાદ મોદી 'જય શ્રીરામ'ને બદલે 'જય સિયારામ' કેમ બોલ્યા?

૧૯૮૪માં શરૂ થયેલી રામ મંદિર ચળવળના નારા 'જય શ્રીરામ'ને બદલે પીએમે 'જય સિયારામ' બોલી કઈ વાતનો સંકેત આપ્યો?

લખનઉ,તા.૭ : ગઈકાલે રામ મંદિરના ભૂમિપૂજન બાદ આપેલા ભાષણમાં પીએમ મોદીએ 'જય શ્રીરામ' બોલવાને બદલે 'જય સિયારામ' બોલવાનું પસંદ કર્યું હતું. પીએમે જયારે જય સિયારામનો નારો લગાવ્યો ત્યારે ઘણા લોકોને આશ્ચર્ય પણ થયું હતું. પીએમ મોદીએ પોતાનું ભાષણ શરૂ કરતા પહેલા કહ્યું હતું કે, પહેલા શ્રીરામ અને માતા જાનકીને યાદ કરી લઈએ... સિયાવર રામચંદ્ર કી જય.. જય સિયારામ.

 

૧૯૮૪માં રામમંદિર ચળવળ શરૂ થઈ ત્યારથી જ જય શ્રીરામનો નારો ભગવા સંગઠનોમાં સૌથી વધુ પ્રચલિત રહ્યો છે. મંદિર ચળવળને જય શ્રીરામના નારાએ જ આખા દેશમાં ફેલાવી હતી. જોકે, ધાર્મિક આગેવાનોનું માનીએ તો જય શ્રીરામનો નારો આ ગાળામાં જે રીતે ફેલાયો, તેનાથી તેનામાં રહેલી મૃદુતા ખતમ થઈ ગઈ, વળી તેમાં સિતામાતાનો કોઈ ઉલ્લેખ પણ નહોતો. ભગવાન રામના મર્યાદાપુરુષોત્ત્।મ અવતારને ખરા અર્થમાં ચરિતાર્થ કરવો હોય તો તેના માટે જય શ્રીરામ નહીં, પરંતુ જય સિયારામનો નારો વધુ યોગ્ય રહે છે. વળી, રામભકતો ભગવાનને જે સ્વરૂપમાં પૂજે છે, તેની સાથે જય સિયારામનો નારો બિલકુલ બંધ બેસે છે.

યુપીના તિવારી મંદિરના મહંત ગિરિશપતિ ત્રિપાઠી આ અંગે જણાવે છે કે જય શ્રીરામનો નારો એક પ્રકારની નિર્ભિકતાનો ભાવ ઉભો કરે છે. જયારે જય સિયારામ ભગવાન રામ અને સિતામાતા બંને પ્રત્યેનો આદર દર્શાવે છે. આ સિવાય આ નારામાં પ્રેમ અને સમર્પણનો ભાવ પણ રહેલો છે.

બીજી તરફ, જય શ્રીરામના સમર્થકોનું માનવું છે કે બંને નારા વચ્ચે કોઈ દેખીતો ભેદ નથી. બીજું, સિતામાતા લક્ષ્મીનો અવતાર છે, જેમને શ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. જેથી જય શ્રીરામ અને જય સિયારામ સરખા જ છે તેમ યુપી વિધાનસભાના સ્પીકર હ્રદયનારાયણ દિક્ષિત જણાવે છે.

પીએમ મોદીએ ગઈકાલે પોતાના ભાષણમાં જય સિયારામ બોલીને એક વાતનો સ્પષ્ટ નિર્દેશ કરી દીધો છે કે રામ મંદિર બનાવવાનું લક્ષ્ય પૂરૂ થયું છે. શબ્દ કે શબ્દપ્રયોગનો અર્થ કયારેય સરખો ના હોઈ શકે. તેમનો ઉપયોગ અને સંદર્ભ હંમેશા બદલાતા રહે છે. ૧૯૮૪ પહેલા જય શ્રીરામ અને જય સિયારામ વચ્ચે કોઈ ફરક નહોતો. પરંતુ આંદોલન શરૂ થયું ત્યારથી જય શ્રીરામ તેનો નારો બની ગયો હતો. હવે સમય સાથે નારામાં રહેલી આક્રમકતા પણ ઘ ટાડવામાં આવી છે.

(11:24 am IST)