Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

૧૬ ઓગસ્ટથી ફરી શરૂ થશે વૈષ્ણોદેવીની યાત્રા

શ્રાઈન બોર્ડ બહુ જલ્દી SOP બહાર પાડશે

 નવી દિલ્હી,તા.૭ : કોરોના વાયરસ  મહામારીની અસર દરેક ક્ષેત્ર પર પડી છે અને વૈષ્ણોદેવીની યાત્રા પણ તેમાંથી બાકાત નહોતી. પરંતુ હવે શ્રદ્ઘાળુઓ માટે સારા સમાચાર આવ્યા છે. વૈષ્ણોદેવીની યાત્રા ૧૬ ઓગસ્ટથી શરૂ થવાની છે. કોરોનાના કારણે ૧૯ માર્ચે યાત્રાને રોકવામાં આવી હતી. પણ હવે અનલોક-૩માં જમ્મુ-કાશ્મીરના ધાર્મિક સ્થળોને ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે વૈષ્ણૌદેવી યાત્રા માટે અલગથી કોઈ નિર્દેશ આપવામાં આવ્યો નથી. પરંતુ, એમ કહેવાય રહ્યું છે કે શ્રદ્ઘાળુઓની સીમિત સંખ્યાની સાથે યાત્રા શરૂ કરવામાં આવશે. યાત્રા માટે શ્રાઈન બોર્ડ બહુ જલ્દી સ્ટાર્ન્ડડ ઓપરેટિંગ પ્રોસિઝર (SOP) બહાર પાડશે.

કોરોના વાયરસ મહામારીની પાર્શ્વભૂમિ પર યા૪ દરમ્યાન યોગ્ય પગલાં લેવામાં આવશે. એટલું જ નહીં, યાત્રા દરમિયાન શું છુટ મળશે અને કયાં પ્રતિબંધો ચાલુ રહેશે, તે અંગે શ્રાઈન બોર્ડ ઝડપથી ગાઈડલાઈન્સ બહાર પાડશે. એમ કહેવાય રહ્યું છે કે, તમામ એન્ટ્રી ગેટ્સ પર સેનિટાઈઝેશન ટનલ તૈયાર કરવામાં આવશે. વૈષ્ણોદેવી ભવનની સાથે જ અર્ધકુવારી અને ભૈરવ ઘાટીમાં પણ થર્મલ સ્કેનિંગ મુકવામાં આવશે. સાથે જ સોશ્યલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ વર્ષે ૧૯ માર્ચથી વૈષ્ણોદેવીની યાત્રા બંધ કરવામાં આવી હતી. ત્યા સુધીમાં ૧૨,૪૦,૦૦૦ યાત્રાળૂઓએ દર્શન કર્યા હતાં.

(11:25 am IST)