Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

ભારતમાં ભયાનક સ્થિતિ

માત્ર ર૧ દિ'માં સંક્રમિતોનો આંકડો ૧૦ લાખથી વધીને ર૦ લાખનો થયો : વિશ્વમાં ત્રીજા ક્રમે

હવે માત્ર ૧પ દિવસમાં ૧૦ લાખ કેસ નોંધાશે : નિષ્ણાંતો

નવી દિલ્હી, તા. ૭ :  ભારતમાં કોરોના વાયરસ કેટલી ધાતક રીતે પોતાના પગ ફેલાવી રહ્યો છે. તેનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે અહીં કોરોનાના કેસોની સંખ્યા ર૦ લાખથી ઉપર પહોંચી ગઇ છે. ભારત ગુરૂવારે અમેરિકા અને બ્રાઝીલ પછી દુનિયાનો ત્રીજો દેશ બની ગયો જયાં કોરોના વાયરસના ર૦ લાખ થી ઉપર પહોંચી ગઇ છે. ભારત ગુરૂવારે અમેરિકા અને બ્રાઝીલ પછી દુનિયાનો ત્રીજો દેશ બની ગયો જયાં કોરોના વાયરસના ર૦ લાખથી વધુ કેસ નોંધાયા હોય. સૌથી ભયંકર વાત એ છે કે આ બીજા દસ લાખ કેસ ફકત ર૧ દિવસમાં આવ્યા છે. એટલે કે છેલ્લા ર૧ દિવસમાં ભારતમાં કોરોનાના ૧૦ લાખ કેસ નોંધાયા છે. ૧૬ જુલાઇ એ દેશમાં પહેલા ૧૦ લાખ કેસ નોંધાયા હતા. કોરોનાના બીજા ૧૦ લાખ કેસોમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, યુપી, પશ્ચિમ બંગાળ અને બિહારના ૪ર ટકા કેસ છે.

ગુરૂવારે ૬ર૦૮૮ નવા કેસોથી દેશમાં કુલ કેસની સંખ્યા ર૦,રર, ૭૩૦ થઇ ગઇ. કોરોનાનો ડબલીંગ રેટ હવે દેશમાં રર.૭ દિવસ છે. જે અમેરિકા (૬૦.ર) અને બ્રાઝિલ (૩પ.૭) કરતા ઘણો વધારે છે. જો કોરોનાની રફતાર આવી જ રહીતો ભારત આ યાદીમાં ટુંક સમયમાં નંબર એક પર પહોંચી જશે જે ગંભીર ચિંતાનો વિષય છે.

જો દેશમાં આ ઝડપે કોરોનાના કેસો વધે તો નિષ્ણાંતોનું અનુમાન છે કે હવે પછીના ૧૦ લાખ કેસ ફકત બે અઠવાડીયામાં થઇ શકે છે. એટલે કે આગામી બે અઠવાડીયામાં ભારતમાં ૩૦ લાખ કેસ થઇ શકે છે.

ભારતમાં કોરોનાથી મોતના આંકડાઓ પર ધ્યાન આપીએ તો તે ૪૧ હજારથી વધી ગયો છે. ગુરૂવારે ૮૯૮ મોતથી આ આંકડો ૪૧૬૩૩ થયો છે. જો કે આંકડાઓ અનુસાર મૃત્યુ દર ઘટીને ર.૦૭ ટકાએ આવી ગયો છે. જે વૈશ્વિક દર ૩.૭પ કરતા ઓછો છે. અમેરિકામાં કોરોનાનો મૃત્યુ દર પ.૭ર છે, તો બ્રાઝીલમાં તે ૩.૮૧ ટકા છે.

૧૬ જુલાઇએ જયારે દેશમાં કોરોનાના કેસ ૧૦ લાખે પહોંચ્યા હતા ત્યારે તેમાંથી પ૬ ટકા કેસ ફકત મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુના હતા. પણ હવે ટ્રેન્ડ બદલાયો છે. પહેલા ૧૦ લાખ કેસમાં દિલ્હીનું યોગદાન ૧ર ટકા હતું જે બીજા ૧૦ લાખ કેસમાં ફકત ૩ ટકા છે. ૧૬ જુલાઇએ આંધ્રપ્રદેશ, કર્ણાટક, યુપી, પશ્ચિમ બંગાળ અને બિહારનું યોગદાન ૧૯ટકા હતુ જે હવે ૪ર ટકા થઇ ગયું છે.

કોરોનામાંથી સાજા થવાનો દર ગુરૂવારે સુધરીને ૬૭.૬ર ટકા થઇ ગયો છે. અત્યારે દશેમાં પ,૯પ,પ૦૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જે કુલ કેસના ૩૦.૩૧ ટકા છે. અત્યારે સારવાર લેતા દર્દીઓ કરતા સાજા થયેલા દર્દીઓની સંખ્યા ૭,૩ર,૮૩પ જેટલી વધારે છે. ર૪ કલાક દરમ્યાન કુલ ૪૬૧ર૧ દર્દીઓને હોસ્પિટલોમાંથી રજા અપાઇ હતી.

(2:45 pm IST)