Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

૧૨મી સુધીમાં આવી શકે છે દુનિયાની પહેલી વેક્સિન?

રશિયામાં તમામ ટ્રાયલ પૂર્ણ કરાયા : રશિયાએ વેક્સિન તૈયાર કરવા ગાઇડલાઇન્સનું પાલન નથી કર્યું તેથી વિશ્વાસ મૂકવો જોખમી : ડબલ્યૂએચઓ

મૉસ્કો, તા. ૭ : રશિયા એ દાવો કર્યો છે કે ૧૨ ઓગસ્ટે કોરોનાની વેક્સીનને લૉન્ચ કરી દેવામાં આવશે. તે કોરોનાને મ્હાત આપવા માટે દુનિયાની પહેલી વેક્સીન હશે. સમાચાર એજન્સી બ્લૂમબર્ગ મુજબ, લૉન્ચને લઈ તમામ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. રિપોર્ટ મુજબ, પહેલા તેનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે અને પછી તેને ૩થી ૭ દિવસની અંદર આ વેક્સીન લોકો માટે બજારમાં ઉપલબ્ધ હશે. રશિયા તરફથી પહેલા કહેવામાં આવ્યું હતું કે ૧૫-૧૬ ઓગસ્ટ સુધી આ વેક્સીન આવશે. આ વેક્સીનને ગામાલેયા નેશનલ રિસર્ચ સેન્ટર ઓફ એપીડેમીલોજી એન્ડ માઇક્રોબાયોલોજીએ તૈયાર કરી છે. સ્પૂતનિક ન્યૂઝે રક્ષા મંત્રાલયના હવાલાથી કહ્યું કે આ વેક્સીનને આપ્યા બાદ પરિણામ ખૂબ સકારાત્મક આવ્યા છે. ટ્રાયલ કરવામાં આવી રહેલા વ્યક્તિની ઇમ્યૂનિટી સિસ્ટમ સારો રિસ્પોન્સ કરી રહી હતી. વ્યક્તિ પર કોઈ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ નથી જોવા મળી. Volunteersના બુરડેંકો હૉસ્પિટલમાં ટેસ્ટ કરવામાં આવ્યા.

               ગામાલેવા ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વેક્સીનને સામાન્ય જનતાના ઉપયોગ માટે ૧૦ ઓગસ્ટ સુધી મંજૂરી અપાવી દઈશું. પરંતુ સૌથી પહેલા ફ્રન્ટલાઇન હેલ્થવર્કર્સને વેક્સીન આપવામાં આવશે. એટલે કે એવા લોકો જેઓ કોરોનાના દર્દીઓની સારવારમાં લાગેલા છે. આ દરમિયાન ડબલ્યુએચઓએ રશિયાની આ વેક્સીનને લઈ અનેક પ્રકારની ચિંતાઓ વ્યક્ત કરી છે. ડબલ્યુએચઓનું કહેવું છે કે રશિયાએ વેક્સીન તૈયાર કરવા માટે ગાઇડલાઇન્સનું પાલન નથી કર્યું. એવામાં આ વેકસીનની સફળતા પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. ડબલ્યુએચઓનું કહેવું છે કે હાલમાં દુનિયાભરમાં ૬ વેક્સીનના ત્રીજા ચરણના ટ્રાયલ ચાલી રહ્યા છે. તેમાંથી ૩ વેક્સીન ચીનની છે. ડબલ્યુએચઓ મુજબ ચરણ ૩માં મોટી સંખ્યામાં લોકો પર ટ્રાયલ કરવામાં આવ્યા છે. અહીં એ જાણવામાં આવે છે કે આ વેક્સીન લાંબા સમય સુધી અને વધુમાં વધુ લોકો પર કામ કરી રહી છે કે નહીં. હાલ એ વાતની ગેરંટી નથી કે ત્રીજા ચરણમાં તે સફળ જ રહેશે.

(7:14 pm IST)